જામનગરમાં એસટી બસ સ્ટેન્ડમાં ખાલી દારૂ બોટલો મળી આવી: પ્રોહીબીશનના કેસો કરવા સ્પેશ્યલ ડ્રાઈવની જરૂરિયાત 

જામનગર મોર્નિંગ - જામનગર 


ગુજરાતમાં દારૂબંધી છે એ સૌ કોઈ જાણે છે. પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દારૂબંધીનો અમલ કેવો અને કેટલો થાય છે એ સૌ કોઈ જાણે જ છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં કોઈપણ મોટા તહેવારો હોય ત્યારે તેની ઉજવણીમાં મોટાભાગનો વર્ગ દારૂ પી ને ઉજવણી કરવાની આદત ધરાવતો થઈ ગયો છે અથવા તો દેખાદેખી કે પછી શોખને કારણે ખુશીના માહોલમાં વધુને વધુ આનંદ કરવા માટે મદિરાપાન કરનારનો વર્ગ વધી ગયો છે.

ગુજરાત-સૌરાષ્ટ્રમાં કાયદેસર પરમીટ ધરાવતાં લોકો જેટલો પિતા હશે એના કરતાં કેટલાય ગણો વધુ દારૂ વગર પરમીટના લોકો બુટલેગરો પાસેથી બમણા કે ત્રણ ચાર ગણા ભાવે ખરીદીને પી રહ્યા છે એ વાત પણ અજાણી નથી.

હમણાં થોડા દિવસોમાં જામનગરમાં જાણે બુટલેગરો અને પ્યાસીઓને જાણે કોઈ કાયદા કાનુન નડતા નથી તેમ લાલપુર બાયપાસ ખંભાળિયા હાઈવે પર વધુ માત્રામાં ખાલી બોક્સ જોવા મળ્યા હતા તો ગુરુદ્વારા ચોકડી સર્કલ પાસે ટ્રાફીક પોઈન્ટમાં જ ખાલી બોટલોના બોક્સ જોવા મળ્યા હતા તો એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવરના આરામ રૂમ પાસે ખાલી બોટલો જોવા મળી હતી.


અત્યારે પોલીસ પ્રશાસન ચૂંટણીમાં વ્યસ્ત છે ત્યારે પ્યાસીઓને મોજ પડી ગઈ છે. હવે જોવું એ રહ્યું કે કાયદાનું ભાન કરાવતા હાલના પોલીસ વડા ક્યારે પોતાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનના ગુનાઓ શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે.