જામનગર મોર્નિંગ - જામનગર (પ્રતિનિધિ ભરત રાઠોડ દ્વારા) 


જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બારાડી ગામમાંથી એક શખ્સ મોટરસાયકલ ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશ ચાલ્યા ગયા બાદ જોડીયા પોલીસે શખ્સને ઝડપી લીધો છે અને મોટરસાયકલ રાજસ્થાનમાં એક ગુનામાં ડિટેઈન થઈ ગયું હોવાની કબુલાત આપી હતી. 

મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના ગામમાંથી થોડા દિવસો પહેલા મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરતાં પીએસઆઈ આર ડી ગોહિલ અને કનુભાઈ જાટીયાને બાતમી મળી હતી કે આ બાઈક ચોર ચોરી કરી મધ્યપ્રદેશ નાસી ગયો હોય, જેથી પોલીસે મધ્યપ્રદેશના માલવા જિલ્લાના દેવલી સોયત કલા ગામમાંથી બંટી દુર્ગાલાલ કેવટ નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા જીજે 3 જેજી 6328 નંબરનું બાઈક બારાડી ગામમાંથી ચોરી કરી હોય અને રાજસ્થાનના અંતા પોલીસ સ્ટેશનમાં બાઈક એક ગુનામાં ડિટેઈન થઈ ગયું હોવાની કબુલાત આપી હતી અને આ શખ્સને જોડીયા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યો હતો.