જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા વિશિષ્ટ મતદાન મથકનું નિર્માણ કરાયું 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને અનેક પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં અબાલ-વૃદ્ધો સૌ કોઈ દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લાના ગોરધનપર ગામ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 'આદર્શ મતદાન મથક'નું નિર્માણ કરવામાં આવ્યું છે. 



જામનગર તાલુકાના ગોરધનપર ગામના ભૂતકાળના આંકડા તાપસીએ તો, યુવા મતદારોની સંખ્યા બહોળા પ્રમાણમાં જોવા મળી છે. વિધાનસભા મત વિસ્તાર જામનગર ગ્રામ્ય-૭૭માં સમાવિષ્ટ  ગોરધનપર ગામમાં સંસદીય ચૂંટણી-૨૦૧૯માં ૭૬% જેટલું જંગી પ્રમાણમાં મતદાન કરવામાં આવ્યું હતું. તો, વર્ષ વિધાનસભા ચુંટણી-૨૦૧૭માં ૭૯% જેટલું મતદાન કરવામાં આવ્યું હતું. ગોરધનપર ગામની આસપાસની ૭ જેટલી નવી સોસાયટીના લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય તેમજ તેમને મતદાન કરવા માટે બહુ દૂર સુધી જવું ન પડે તે કારણોસર ગોરધનપર ગામની આદર્શ મતદાન મથક તરીકે પસંદગી કરવામાં આવી હતી. મતદાન મથક પર એક આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ ઉપલબ્ધ હતું, જેથી લોકો મતદાન કરવા માટે વધુ જાગૃત બને. મતદાન મથકની બહાર મતદાર જાગૃતિને લગતા વિવિધ સૂત્રો દર્શાવવામાં આવ્યા હતા.