સન્ની પાજી દા ઢાબાના માલિકની પત્નીને ધમકી

જામનગર મોર્નિંગ - રાજકોટ 


શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધંધાકીય અને પારિવારિક વિવાદમાં આવેલા સન્ની પાજી દા ઢાબા નામની હાઇવે પર રેસ્ટોરન્ટ ધરાવતા અમનવીરસિંઘ ઉર્ફે સન્ની પાજી સામે તેની જ પતીએ શારીરિક-માનસિક ત્રાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર રોડ, સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં બે સંતાન સાથે છેલ્લા બે વર્ષથી માવતરે રહેતી અમ્રિતકૌર ઉર્ફે ભૂમિકા વ્યાસે પોપટપરા મેઇન રોડ, પ્રિતનગર-7માં રહેતા પતિ અમનવીરસિંઘ ઉર્ફે સન્ની પાજી અને સસરા તેજેન્દ્રસિંઘ ઉજાગરસિંઘ ખેતાન સામે ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ, 2014માં ડાન્સ શિખવા જતી હતી. ત્યારે સન્ની પાજી સાથે સંપર્ક થયો હતો. જે સંપર્ક બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા 2017માં બંનેની સહમતીથી પરિવારજનોની હાજરીમાં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ, સસરા અને દાદાજી સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નના બે મહિના પછી જ પતિ સન્ની પાજી રોજ રાતે દારૂ પીને ઘરે આવી પોતાને કોઇ કારણ વગર ઝઘડો કરી માર મારતા હતા. આ મુદ્દે સસરાને વાત કરતા તેઓ પણ પતિનું ઉપરાણું લઇ તેઓ પણ દારૂ પીને પોતાને ગાળો ભાંડતા હતા. તેમ છતાં દાંપત્ય જીવન ન તૂટે તે માટે મૂંગે મોઢે પતિ, સસરાનો ત્રાસ સહન કરતી હતી.

દરમિયાન પતિ સન્ની પાજીને પરસ્ત્રી સાથે આડાસંબંધ હોવાની ખબર પડતા આ અંગે સસરા અને દાદાજી સસરાને કરી હતી. ત્યારે પતિના કરતૂતની તેમને પણ ખબર હોવા છતાં તેઓ કંઇ કહેતા નહિ. આ મુદ્દે પતિ સાથે વાત કરતા તેઓ પોતાને માર મારી કહેતા કે હું તો વાત કરીશ જ. સસરા પણ આવું બધુ તો સહન કરવું પડશે. અવારનવારના ઝઘડાઓને કારણે પોતાના પરિવારમાં વાત કરતા પાંચેક વખત સમાધાનના પ્રયાસ કર્યા હતા. તેમ છતા પતિમાં કોઇ સુધાર આવ્યો ન હતો. સસરા પોતાને તેમજ બંને બાળકને પહેરે કપડે મૂકી ગયા હતા.


જેથી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો અને ભરણપોષણનો કેસ પણ કર્યો છે. ત્યારે પતિ સન્ની પાજી દારૂ પીને પિતાના ઘરે બાળકોને મળવા આવ્યા હતા, પરંતુ પતિના આવા કૃત્યથી બાળકો પણ ડરતા હોય પતિએ બંને બાળકને ખેંચવાની કોશિશ કરી હતી. જેથી પોતે પોલીસને ફોન કરવા છતાં પોતાનો મોબાઇલ ફોન ઝૂંટવી જતા રહ્યા હતા. એટલું જ નહિ એક વખત દારૂ પીને ઘરે આવી હું તને રિવોલ્વર, તલવારથી મારી નાંખીશ, જેલમાં જઇશ તો પણ હું છૂટી જઇશની ધમકી આપી હતી. પતિ સન્નીનો ત્રાસ અનહદ વધતા અંતે ફરિયાદ નોંધાવી છે.