• હાલારની ૦૭ સીટ માંથી ભાજપ - ૦૬, આપ - ૦૧, કોંગ્રેસ સાવ સાફ



જામનગર મોર્નિંગ - જામનગર તા.૦૮ : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં રાજકીય લોકોની આગાહી અને અપેક્ષા કરતા પણ વધારો ભાજપ ફાવી ગઈ છે. હાલારના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત બંને જીલ્લાના વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયા છે. જામનગર જીલ્લાની ૫ સીટ માંથી ૪ ભાજપ જીતી છે જેમાં જામનગર દક્ષીણમાં દિવ્યેશ અકબરી અને ઉતર સીટ પરથી રીવાબા જાડેજા મોટી લીડથી ચુંટાયા છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ અને કાલાવડ સીટમાં મેઘજી ચાવડા ચુંટાયા છે. જયારે જામજોધપુર બેઠક પર સાવરણો ફરી વળ્યો હોય એમ આમ આદમી પાર્ટીના નવ યુવાન હેમંત ખવા ચુંટાયા છે. હેમંત ખવાએ પૂર્વ કેબીનેટ મંત્રી ચીમન સાપરીયાને હરાવતા તેઓનું રાજકીય કદ ખુબ વધી ગયું હોય એવું ચર્ચાઈ રહ્યું છે.


જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની બંને વિધાનસભા સીટમાં ભાજપની જીત થઇ છે. દ્વારકા સીટમાં પબુભા માણેક આઠમી વખત ચુંટાઈને નવો જ રેકોર્ડ સર્જ્યો છે તો ખંભાળીયામાં પણ આપના મુખ્યમંત્રી ચહેરા અને પત્રકાર ઇસુદાન ગઢવીને હરાવીને મુળુભાઈ બેરાનો મોટી લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ખંભાળીયા સીટ પર આપના મુખ્યમંત્રી ચહેરો લડતો હોવાથી આ સીટ ખુબ ચર્ચામાં રહી હતી તમામ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચેનલની પણ આ સીટ પર નજર હતી. જો કે તમામ અટકળોનો અંત લાવીને જામનગર , દેવભૂમિ દ્વારકા સહીત ગુજરાતમાં પુરજોશમાં કમળ ખીલી ગયું છે.