જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત દ્વારા) 


ભાવનગર ખાતે યોજાયેલ બેન્કર્સ ની ત્રિમાસિક રિવ્યૂ મીટીંગમાં ભાવનગર જિલ્લા કલેક્ટર ડી કે પારેખ ના હસ્તે ભાવનગર જીલ્લાની પીએલપી ૨૦૨૩-૨૪ નું વિમોચન કરવામાં આવ્યું.

નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક દિપકકુમાર ખલાસ  પોટેન્શિયલ લિંન્ક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી) ૨૦૨૩-૨૪ નું પ્રસ્તુતિકરણ કરીને જણાવ્યુ હતું કે વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ભાવનગર જીલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ.૧૩૪૨૮ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.૩૧૮૦ કરોડ (૨૪%), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.૨૩૫૦ કરોડ (૧૭%), એમએસએમઇ સેક્ટર માટે રૂ ૭૦૦૬ કરોડ (૫૨%) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષણ, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.૮૯૨ કરોડ (૭%) નું આંકલન કરેલ છે. પીએલપીના આંકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લામાં આવેલ બેન્કો, તેમને આપવામાં આવેલ ધિરાણો ના ટાર્ગેટ ને હાંસલ કરવાના પ્રયાસો કરે છે. 


આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ક્રેડિટ પ્લાન ૨૦૨૨-૨૩ અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પુરા થતાં ત્રિમાસિક પરિણામોનું રિવ્યૂ તેમજ એનઆરએલએમ હેઠળ સ્વયં સહાયતા જૂથોની બચત ખાતા ખોલવા તેમજ તેમને ક્રેડિટ લિંકેજ (ઋણ આપવા) કરવા માટે બૅન્કો દ્વારા કરવામાં આવતા પ્રયત્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ મીટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, નાયબ નિયામક – બાગાયત, એમ બી વાઘમશી, ડિસ્ટ્રિક્ટ આજીવિકા મેનેજર વિજયસિંહ વાઘેલા, સહાયક મહાપ્રબંધક મુકેશકુમાર, ભારતીય સ્ટેટ બૅન્ક, હિમાંશુ આનંદ, મેનેજર, લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર – ભારતીય રિઝર્વ બૅન્ક, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ગૌતમ ચૌહાણ તથા અન્ય બૅન્કો/ સરકારી કચેરીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.