• કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરાઇ તેમજ વિવિધ વિભાગના 13 ટેબ્લો પ્રદર્શિત કરાયા

જામનગર તા.૨૬ જાન્યુઆરી, રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી ધ્રોલ ભુચરમોરી ખાતે કરવામાં આવી હતી. મંત્રીશ્રીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

 

પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં મહામૂલું પ્રદાન કરનારા સન્માનનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓ અને અનેક લોકોના બલિદાનો પછી આપણને આઝાદી પ્રાપ્ત થઈ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્ણાંત અને વિદ્વાનો દ્વારા આજથી 73 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આજે ભારતના બંધારણની 74મી જયંતિ છે.

 

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં જી-20 સમિટ યોજાવાથી ગુજરાતનાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જામનગર જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે અને ઉદ્યોગોના વધુ વિકાસ થકી જિલ્લામાં પણ રોજગારીની વધુ તકો સર્જાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી જામનગર જિલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જામનગરની મુલાકાત લઈ જિલ્લાને રૂ.૧૪૪૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રૂ.૩૯.૨૪ કરોડના ખર્ચે કાલાવડ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૨૪.૭૪ કરોડના ખર્ચે મોરબી-માળીયા-જોડિયા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૧૦૭ કરોડના ખર્ચે તૈયાર થનારા લાલપુર બાયપાસ ઓવરબ્રિજ તથા હાપા માર્કેટિંગ યાર્ડ રેલવે ઓવરબ્રિજ,  રૂ. ૫૬ કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક તથા પમ્પીંગ મશીનરી રીફરબીશ વર્ક સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

 

છોટીકાશી તરીકે પ્રચલિત જામનગર જિલ્લો કચ્છના અખાતને જોડતો વિશાળ સમુદ્ર તટ ધરાવે છે. અહીં બાંધણી ઉધોગ, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ પેટ્રો કેમિકલ્સ જેવી મહાકાય રીફાઇનરી, વિન્ડ ફાર્મ અને રાષ્ટ્રીય પક્ષી અભ્યારણ તેમજ વિવિધ હેરીટેજ ધરાવતો જિલ્લો ગૌરવ સમાન છે.

 

આજ આપણે જે જગ્યા પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ એ ધ્રોલના સર્વાંગી વિકાસ માટે પણ રાજ્ય સરકારે અનેક વિકાસકામો મંજૂર કર્યા છે. જેમાં ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં દરેક ઘરને રોજ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારની નલ સે જલ યોજના હેઠળ રૂ.૮.૮૮ કરોડના પ્રોજેક્ટ હેઠળના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં બે પાણીની ઉચી ટાંકી, બે અંડર ગ્રાઉન્ડ સંપ, ૭.૨ કિ.મી. મેઈન લાઈન, ૭.૨ કિ.મી. ઘર જોડાણ માટેની પેટા લાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં બગીચાના નવીનીકરણ માટે સરકારની આગવી ઓળખ યોજના હેઠળ શહેરમાં આવેલ કમલા નેહરૂ પાર્કમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે રૂ.૩.૪૬/- કરોડની મંજૂરી મળેલ છે. જેનું કામ આગામી સમયમાં શરૂ થનાર છે. આ એમ્યુઝમેન્ટ બિલ્ડીંગમાં બાળકોના રમત-ગમતના વિવિધ સાધનો, આઉટ ડોર તથા ઇન્ડોર જીમ અને વોકિંગ ઝોન તેમજ ગાર્ડનની સુવિધા ઉપલબ્ધ હશે.

 

માત્ર હાલાર પંથકમાં જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જી.જી. હોસ્પીટલનું અનેરૂ યોગદાન રહ્યુ છે. જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ચાલુ વર્ષે તા. ૦૬-૦૮-૨૦૨૨નાં રોજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવા મેડીકલ એજ્યુકેશન અંતર્ગત રીજીઓનલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. જેમાં વિવધ તબીબી શિક્ષકોને ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સંસ્થા ખાતે જનીનિક બીમારીઓની તપાસ અર્થે મલ્ટી ડીસીપ્લીનરી રીસર્ચ યુનિટ અંતર્ગત સોરાષ્ટ્રમાં સરકારી મેડીકલ કોલેજમાં પ્રથમ એવી જેનેટિક લેબની પણ શરૂઆત કરવામાં આવી છે. જેનો લાભ સોરાષ્ટ્રની જનતાને મળી રહેશે.

 

વર્ષ ૨૦૨૨માં જી.જી. સરકારી હોસ્પિટલ, જામનગરને એન્ટ્રી લેવલ NABH સર્ટીફીકેટ મળેલ છે. હોસ્પિટલના લેબર રૂમ અને મેટરનીટી ઓ.ટી.પણ લક્ષ્ય સર્ટિફાઈડ છે. તેમજ અહીની બ્લડ બેંક વર્ષ ૨૦૧૨ થી NABH સર્ટિફાઈડ છે. તથા ત્રણ લેબોરેટરીઓ વર્ષ ૨૦૧૫ થી NABL સર્ટીફાઈડ છે. માં તથા માં વાત્સલ્ય અને PMJAY યોજના હેઠળ જામનગર જીલ્લામાં સૌથી વધુ દર્દીઓને લાભ જી.જી.સરકારી હોસ્પિટલ ખાતેથી આપવામાં આવે છે. કોવિડ મહામારીમાં દર્દીઓને સારવાર મળી રહે તે માટે તબ્બકા વાર એક પછી એક બિલ્ડીંગને કોવીડ દર્દીઓ માટેની બિલ્ડીંગમાં રૂપાંતર કરી એક સાથે ૨૦૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ જીલ્લાનાં દર્દીઓ સારવાર માટે આવેલા હતા.

 

જામનગર જિલ્લામાં ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, દ્વારા વિવિધ કૃષિ વિષયક સહાય યોજનાઓમાં કુલ ૨૭૫૩ લાખની જોગવાઈ સામે ૧૦૮૫ લાખની કામગીરી ડિસેમ્બર-૨૦૨૨ અંતિત હાંસલ કરવામાં આવી. ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ૩૪ લાભાર્થીઓને રૂ.૬૭ લાખની અકસ્માત મૃત્યુ સહાય ચુકવવામાં આવી, કૃષિ યાંત્રિકરણ માટે ૯૧૧ ટ્રેક્ટર તથા ૪૫૨ જેટલા વિવિધ કૃષિયંત્રો માટે કુલ રૂ.૬૦૦.૩૮ લાખની સહાય ડિસેમ્બર-૨૦૨૨ અંતિત સહાય આપવામાં આપવામાં આવી છે.

 

જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજ અંતર્ગત ૧૯૮૩ અરજીઓ આવેલ છે. જે પૈકી ૧૯૭૮ વેરીફિકેશન થયેલ જે પૈકી ખેડૂતોને કુલ ૨,૧૩,૯૩,૮૬૧ રૂ. ની સહાય આપવામાં આવી અને હજુ પણ સહાય ચુકવવાની કામગીરી હાલમાં ચાલુ છે.

 

તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્રારા સૌની યોજના લીંક-૧ પેકેજ-૫ તથા લીંક-૨ પેકેજ-૭ નું લોકાર્પણ કરવામાં આવેલ જેના થકી જામનગર જિલ્લાના ૧૧ જળાશયોને નર્મદાના પાણીથી ભરી શકાશે તથા ૩૬ હજારથી વધુ એકર જમીનને સિંચાઈ તેમજ પીવાના પાણીનો લાભ થશે.

 

પીજીવીસીએલ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતી મળી રહે  તે માટે,  ખેતીવાડી વિજળીકરણ યોજના અંતર્ગત ૩૦૪૬ નવા ખેતીવાડી વિજ જોડાણો અંદાજીત રૂ. ૪૬૦૭.૨૧ લાખના ખર્ચે હાલ સુધીમાં આપવામાં આવેલ છે.

 

જામનગર જીલ્લાના ૧૦૦% રેવન્યુ ગામો ડામર રસ્તાઓથી જોડાયેલ છે. પંચાયત માર્ગ અને મકાન, વિભાગ જામનગર હેઠળ મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ તથા નોન પ્લાન કક્ષાના કુલ ૧૬૬૨.૨૫ કિ.મી ડામર રસ્તાઓ છે. વર્ષ ૨૦૨૨ માં જિલ્લાના ૨૬૧ કિ.મી. રસ્તા ઉપર રીકાર્પેટીંગની કામગીરી કરેલ છે.

 

કોરોનાના કારણે જ્યારે લોકો બેરોજગાર બન્યા ત્યારે મનરેગા યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. આ યોજના થકી લોકોને પોતાના ગામમાં જ રોજગારી મળી જેના કારણે લોકોને આવા કપરા સમયમાં આ યોજના થકી ખૂબ સધિયારો મળ્યો. આ યોજના હેઠળ જામનગર જિલ્લામાં કુલ ૪૯,૫૯૭ કુટુંબોને જોબકાર્ડ ઈસ્યુ કરી ૧૮,૭૫૮ શ્રમિકોને રોજગારી આપવામાં આવી. જિલ્લામાં ગત વર્ષે ૧૯૭૬ કામો હાથ ધરી ૫.૨૮ લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી. મનરેગા અંતર્ગત ૪૪,૦૪૯ શ્રમિકોનું આધાર સિડિંગ કરી ૧૦૦% સિદ્ધિ હાંસલ કરેલ છે.

 

જામનગર ખાતે જિલ્લાકક્ષાએ રોજગાર એપ્રેન્ટિસ પત્રો તેમજ ઈ-શ્રમ કાર્ડના વિતરણ કરાયા હતા. જેમાં રાજ્ય સરકાર દ્વારા ૧૨૨૬ યુવાનોને ખાનગીક્ષેત્રે પ્લેસમેન્ટ આપવામાં આવેલ છે. યુવાનોને રોજગારી આપવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૫૪ ભરતીમેળાઓ કરીને શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ ખાનગી તેમજ સરકારી ક્ષેત્ર મળી કુલ ૭૦૦૦ યુવાઓને રોજગારી આપીને ૧૦૦% સિદ્ધિ મેળવેલ છે. સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યો છે.

 

રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં ધ્રોલ તાલુકાની વિવિધ શાળાઓના વિધ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સરકારના વિવિધ વિભાગના 13 ટેબ્લો જેમાં ગૃહવિભાગ, 181 મહિલા હેલ્પલાઈન, આરટીઓ, વન વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ વિભાગ, આઇસીડીએસ સેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 108 ઇમરજન્સી સેવા, અભયમ, ખીલ ખિલાટ, ગ્રામ આરોગ્ય, કરુણા અભિયાનની કામગીરી અંગેના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

 

જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે રૂ.25 લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો અને વોટર શેડ થકી વિકાસ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરેડમાં શામેલ વિજેતા થયેલ પ્રથમ ક્રમે મહિલા પ્લાટૂન, દ્વિતીય ક્રમે એનસીસી મહિલા પ્લાટુન, તૃતીય ક્રમે બિનહથિયારધારી પ્લાટુનના કમાન્ડોનું સન્માન કરવાના આવ્યું હતું. બાદમાં મંત્રીશ્રીના હસ્તે જામનગર જિલ્લાના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું તેમજ જિલ્લાના 6 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે ભુચર મોરી મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

 

પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા,ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, પ્રોબેશનલ આઇએએસ શ્રી પ્રણવ વિજય વરગિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી બી.એન. ખેર, જામનગર જિલ્લાના વિવિધ આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, શાળાના વિધ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.