જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં લાખાબાવળના પાટીયા પાસે ચાલીને જતા યુવાનને મોટરસાયકલ ચાલકે ઠોકર મારતા મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ખંભાળિયા - દ્વારકા હાઈવે પર કાર ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું ઉપરાંત થોડા દિવસ પહેલાં મોરકંડા પાસે મોટરસાયકલ ચાલકે વૃધ્ધાને ઠોકરે લેતાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમજ રાધિકા સ્કૂલ પાસે મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા પાછળ બેસેલા યુવાનનું મૃત્યુ નિપજતા ચારેય બનાવની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ ખંભાળિયા - દ્વારકા હાઈવે પર પાયલ ચોકડી પાસે શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યે રોડ પરથી વિજયભાઈ નસાભાઈ ડાંગર (ઉ.વ. 30) નામનો યુવાન પોતાની મોટરસાયકલ જીજે 37 ડી 3831 નંબરનું લઈને ખંભાળિયા બાજુ આવતા હોય ત્યારે મામાદેવ હોટલ સામે ફોર્ચ્યૂન કાર જીજે 37 બી 9911 નંબરની લઈ પૂરઝડપે બેફિકરાઈ પૂર્વક ચલાવી વિજયને પાછળથી ઠોકર મારી પછાડી દેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજતા પિતા નસાભાઈ ટપુભાઈ ડાંગરે ખંભાળિયા પોલીસમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ સ્થળે યુવક પાસે રહેલ રોકડ રકમ અને અગત્યના ડોક્યુમેન્ટ મળી આવતા પરિવારને પરત સોંપી માનવધર્મ નીભાવ્યો હતો.

જ્યારે જામનગર - ખંભાળિયા હાઈવે પર લાખાબાવળ ગામના પાટીયા પાસેથી સુરેશભાઈ ધનજીભાઈ રાઠોડના માસીનો દીકરો શુક્રવારે રાત્રે 10.30 વાગ્યે કરણભાઈ બોરડીયા નામનો 25 વર્ષનો યુવાન ચાલીને જતો હોય ત્યારે હિરેન અશોકભાઈ બારોટ નામનો જીજે 37 એ 8944 નંબરનું મોટરસાયકલ ચાલક પોતાનું મોટરસાયકલ બેફિકરાઈ પૂર્વક ચલાવી જતો હોય ત્યારે કરણને ઠોકર મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરાંત જામનગરના મોરકંડા ગામમાં રહેતા સરોજબેન મનજીભાઈ લીલાપરા નામના વૃધ્ધા ગત તા. 18એ ઘરેથી વાડીએ જતા હોય ત્યારે રોડ ઓળંગી વેળાએ જીજે 05 એમએફ 9016 નંબરની એક્ટિવા ચાલક પૂરઝડપે ચડાવી ઠોકરે લેતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ 6 દિવસ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા મૃતકના પતિ મનજીભાઈ લીલાપરાએ પંચ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં અજાણ્યા એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અને જામનગર શહેરમાં શનિવારે રાધિકા સ્કૂલ પાસે મહાપ્રભુજી બેઠક આગળથી રણજીત ઉર્ફે જીતુ મોહનભાઈ લોહાર સાથે હીરાભાઈ ભુપતભાઈ નકુમ મોટરસાયકલમાં બેસી જતા હોય ત્યારે રણજીતભાઈએ ગાડી પૂરઝડપે ચલાવી ડિવાઇડર સાથે અથડાવી હીરાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજતા સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.