હત્યારાએ સાત વર્ષ પહેલાં દાહોદ જિલ્લામાં પણ ધાડ અને હત્યા કરી ફરાર હતો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાંથી તા. 7-12ના રોજ 12 વર્ષના તરૂણની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતાં ચકચાર જાગી હતી. કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા માથામાં ધારિયાનો ઘા ઝીંકી દીધા બાદ ગુપ્ત ભાગે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી ભાગી છુટ્યા હતા. પંચકોશી એ ડિવિઝન અને એલસીબીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને મૃતદેહ તેમજ હથિયારનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે શકમંદ તરીકે એક શખ્સની અટકાયત કરી એલસીબી તથા પંચ એ ડીવીઝન પોલીસે પૂછપરછ હાથ ધરતા હત્યા પોતે કરી હોય તેની કબૂલાત આપતા હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો તેમજ આરોપી 7 વર્ષથી દાહોદ જિલ્લાના ધાડ અને હત્યાના ગુન્હામાં ફરાર હતો તેનો પણ ભેદ ઉકેલાયો હતો.

મળતી વિગત મુજબ મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા પંકજ કાળુભાઈ ડામોર નામના 12 વર્ષના તરૂણનો લોહીથી લથબથ મૃતદેહ પસાયા ગામની સીમ વિસ્તારમાંથી તા. 7-12ના રોજ સવારે મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ એલસીબીની ટુકડી વગેરે પસાયા ગામની સીમમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સાંભળી આગળની તપાસ હાથ ધરી હતી. 12 વર્ષનો તરૂણ પંકજ કે જેના માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો, ઉપરાંત ગુપ્ત ભાગે પણ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. ત્યારબાદ બંને હથીયાર સ્થળ પર મૂકીને હત્યારો ભાગી છુટ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી હતી. આ બનાવને લઈને પસાયા બેરાજા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

કેટલાક સગા - સંબંધીઓની પણ પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી કડીઓ મેળવવા પ્રયાસ કરી રહી હતી ત્યારે એક શકમંદ હાથ લાગતા તેની અટકાયત કરી હતી.

એલસીબી પીએસઆઈ એસ.પી. ગોહિલ અને પંચ એ ડીવીઝનના પીએસઆઈ જે.પી. સોઢાએ હેમંત અપ્પુ વાખલા (રહે. હાલ પસાયા બેરાજા, મૂળ, મધ્યપ્રદેશ) નામના શખ્સની પૂછપરછ હાથ ધરતા હેમંતના પુત્ર દિવ્યેશ વાખલાને કાળુભાઈ ડામોરની પુત્રી સાથે પ્રેમ સંબધ હોવાની જાણ પુત્ર પંકજને થઈ જતાં હત્યારો હેમંત પંકજને આ બનાવની જાણ કોઈ ને ન કરવા સમજાવવા છત્તાં પંકજ સમજ્યો ન હોય જેથી તિક્ષ્ણ હથિયાર ધારીયા વડે શરીરે ગંભીર ઈજાઓ કરી હત્યા નિપજાવી હોવાની કબુલાત આપી હતી, હત્યારાની આવી રીતે ગુન્હાને અંજામ આપતાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં હત્યારો હેમંત સાત વર્ષ પહેલાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ધાડ અને હત્યાના ગુન્હામાં ફરાર હોવાની કબુલાત આપતા સાત વર્ષ પહેલાંની હત્યાનો પણ ભેદ ઉકેલાયો હતો.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા પંચ એ પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઈ સોલંકી, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડિયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, અજયસિંહ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલસરા તથા પંચ એ પોલીસ સ્ટેશનના એન. કે. ઝાલા, આર. એમ. જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, કમલેશભાઈ ખીમાણીયા, જયપાલસિંહ જાડેજા અને વીરભદ્રસિંહ જાડેજાએ કરી હતી.