જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર એલસીબી દ્વારા પોકેટ-કોપ અને ઈ-ગુજકોપનો ઉપયોગ કરી ધરફોડ ચોરીને અંજામ આપનાર બંજારા ગેંગના બે શખ્સોને ઝડપી લઈ 12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી બાદલ એલસીબી પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ અને બે હેડ કોન્ડટેબલને ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા ગાંધીનગર ખાતે સન્માનીત કરવામાં આવ્યા છે.   

જામનગર એલસીબીએ ગત નવેમ્બર માસમાં જામનગર તથા રાજકોટ શહેરમાં નોંધાયેલી 23 ઘરફોડ ચોરીનો ભેદ ‘ઇ-પોકેટ કોપ’ની મદદથી ઉકેલ્યો હતો અને બંજારા ગેંગના બે શખ્સોને સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 9.92 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, આ સમગ્ર પ્રકરણમાં સૌપ્રથમ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાંથી અર્જુન રાહુલ અને બાદલ રાહુલ નામના બે બંજારા શખ્સો શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવ્યા હતા, બાદમાં આ મોટર સાયકલ ચોરાઉ હોવાનું ખૂલ્યું હતું, ત્યારપછી ‘ઇ-પોકેટ કોપ’ની મદદથી એસલીબીએ આ બંને શખ્સોનો ગુન્હાહિત ઇતિહાસ તપાસ્યા પછી આ શખ્સોના રહેણાંક મકાને ઝડતી લેતાં સોના-ચાંદીના દાગીના, ઘડીયાળ, રોકડ, બાઇક તથા ઘરફોડ ચોરી માટેના સાધનો શોધી કાઢ્યા હતા, આ બંને શખ્સો જામનગરના મયુરનગર વિસ્તારમાં વામ્બે આવાસ રોડ પર રહેતા હતા. આ સમગ્ર પ્રકરણમાં જામનગર ક્રાઇમ બ્રાંચને મળેલી સફળતાને ધ્યાનમાં રાખી ડીજીપી દ્વારા ક્રાઇમ બ્રાંચની ટીમને ડિસેમ્બર-2022 નો પોકેટ કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ટીમમાં એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, એએસઆઇ સંજયસિંહ વાળા તથા દિલીપ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.