જામનગર મોર્નિંગ - જામનગર-દ્વારકા 


દ્વારકા જિલ્લામાં ખેડૂતે બે શખ્સ સામે તેમજ જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા આસામીએ બે સામે તેમજ જામનગરના વેપારીએ એક સામે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી તેમજ બળજબરીપૂર્વક વેંચાણ દસ્તાવેજ કરાવી લીધાની તેમજ ખંભાળિયામાં ઉંચુ વ્યાજ વસુલવા અને દ્વારકામાં 30 ટકા વ્યાજે રૂપિયા લઈ ચૂકવી આપેલ બાદ પણ ઉઘરાણી કરવા અંગેની ફરિયાદ નોંધાવતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ડાંગરવાડ ગામે રહેતા હોથીભાઈ લીલાભાઈ અમર નામના ખેડૂતે ભાડથર ગામના જીવાભાઈ મારખીભાઈ જગાભાઈ ચાવડા પાસેથી ત્રણ વર્ષ પહેલાં રૂ. 10,00,000 વ્યાજે લીધેલ હોય અને હોથીભાઈની આઠ વીઘા જમીનનો દસ્તાવેજ હમીરભાઈએ પોતાના નામે કરાવી લઈ વર્ષ 2020 નું ત્રણ ટકા લેખે રૂ. 3,00,000 રોકડા આપેલ અને 2021નું 2.5 ટકા લેખે રૂ. 2,50,000 અને વર્ષ 2022નું રૂ. 4,00,000 વ્યાજ રોકડું ભરેલ અને ત્રણ વર્ષ પહેલાં જ્યારે વ્યાજે રૂપિયા લીધા હોય ત્યારે જીવાભાઈએ રૂ. 50,000 કમિશન લીધેલ હતું અને વ્યાજ અને કમિશન સહિત રૂ. 9,50,000 ચુકવી નવેમ્બર 2022 થી વ્યાજ ભરવાનું બંધ કરી આપેલ હોય જેથી જીવાભાઈ ચાવડા હોથીભાઈની વાડીએ જઈ તેને તથા પરિવારને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં હોય અને બળજબરી પૂર્વક વેંચાણ દસ્તાવેજ કરાવી વધુ વ્યાજના પૈસા કઢાવવા અવાર નવાર દબાણ કરતાં હોય જેથી કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા ઈશાભાઈ ગુલમામદ ઘુઘા નામના આસામીએ ભાણવડમાં રહેતા કારા સુલેમાન અને મધુબેન જીતુભાઈ ઝાલા પાસેથી ત્રણ તોલાનો સોનાનો ચેઈન ગીરવે રાખી રૂ. 60,000 વ્યાજે લીધા હોય બાદ અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ઈશાભાઈના ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મકાનનો રૂ. 1,10,000નો સોદા કરાર કરાવી લીધાની ફરિયાદ ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત જામનગરમાં મોહનનગર આવાસમાં રહેતા અને લોન્ડ્રીકામનો ધંધો કરતાં રશ્મીનભાઈ હસમુખભાઈ ગણાત્રા નામના વેપારીએ જામનગરમાં રહેતા જાહિદ આવદભાઈ જામી પાસેથી રૂ. 15,000 દસ ટકા વ્યાજે લીધેલ હોય જેનું બળજબરીથી લખાણ કરાવી મિત્રના કોરા ચેક કઢાવી લઈ વ્યાજ 12,000 અને મુદલ 15,000 કુલ મળી રૂ. 27,000 રૂપિયા લઈ લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતો હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝનમાં નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 384 તથા મનીલેન્ડસ એક્ટ કલમ 5, 39, 40, 42 (એ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ખંભાળિયામાં જોધપુરનાકા પાસે રહેતા દિપેશ ઉર્ફે ભીખો નારણદાસ કાનાણીએ દલુ રામદેભાઈ કારીયા નામના વ્યાજખોર પાસેથી આજથી અંદાજે સવા વર્ષ પહેલાં રૂ. 50,000 હાથ ઉછીના લીધા હોય બાદ દલુએ દિપેશ પાસેથી રૂ. સાડા ત્રણ લાખનું લખાણ લખાવી બે કોરા ચેક લઈ લીધા હતા, ત્યારબાદ દિપેશે રૂપિયા પરત આપી દીધા હોય તો પણ લખાણ કે ચેક પરત ના આપી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક આજ દિવસ સુધી મહિનાના 20% વ્યાજ ચડાવી રૂ. 1,88,100 લઈ લીધા ચેક રૂ. 6,10,000 ના બેંકમાં નાખી ચેક બાઉન્સ કરાવી પઠાણી ઉઘરાણી કરી ઉંચુ વ્યાજ વસુલી કરતા ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અને દ્વારકામાં મુરલીધર ટાઉનશિપમાં રહેતા પરસોતમભાઈ હરજીભાઈ કણજારીયા નામના વેપારીએ અંદાજે એક વર્ષ પહેલા હસમુખભાઈ ઉર્ફે હકાભાઈ સુમડ અને શારદાબેન રાજગોર પાસેથી રૂ. 1,00,000 રોજના એક હજાર રૂપિયા વ્યાજ લેખે લીધા હોય બાદમાં પરસોતમભાઈએ 90 દિવસ સુધી રોજ રૂ. 1000 આપી રૂ. 90,000 વ્યાજ પેટે ચુકવી અને મુળ રકમ એક લાખ ચુકવી આપી તો પણ રૂ. 35 હજાર ચડત વ્યાજ નહીં આપે ત્યાં સુધી ચેક નહીં મળે અને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.