પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે: જિલ્લા કલેકટર ડી.કે.પારેખ: ભાવનગર જિલ્લાનાં ૧૬ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ૨૦૨૦-૨૧ એનાયત કરાયા
જામનગર મોર્નિંગ - ભાવનગર (પ્રતિનિધિ, ફિરોઝ સેલોત)આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગર ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અંદાજિત ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કેમિકલ ના લીધે પાક ખૂબ જ સારો અને ઝડપથી મળી જતો હોય છે પરંતુ તેના ગેરલાભો ઘણા જ છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ ધીમે ધીમે સ્થાયી થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ખુબ જ સકારાત્મક પરિણામો મળી રહ્યા છે.
વધુમાં જિલ્લા કલેકટરએ ભાવનગરમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ જેવા કાર્યક્રમો વધુને વધુ યોજીને ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીનું બજાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમાંથી ખેડૂતો નફો મેળવતા થયા છે. આજનાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ઓનલાઇન મધ્યમ ઉપરાંત અન્ય રાજ્યોના બજારો જેવા કે દિલ્હી, કલકત્તા અને મુંબઈ સુધી પોતાના પાકનું વેચાણ કરી વધુ નફો મેળવતા થયાં છે.
આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાનાં ૧૬ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ ૨૦૨૦-૨૧ એનાયત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષમાં ભાવનગર જિલ્લામાં ૬૩૮૮ જેટલા ખેડૂતો દેશી ગાય નિભાવ ખર્ચ સહાય મેળવતા અને પ્રાકૃતિક ખેતી કરતાં થયાં છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટેનાં પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત ચાલુ વર્ષમાં તાલીમ શિબિરો અને સંમેલન દ્વારા કુલ ૨૩,૭૩૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનાં વેચાણ માટે ભાવનગર શહેરમાં રીલાયન્સ માર્કેટની સામે, જોગર્સ પાર્કની પાછળ ડર ગુરુવાર અને રવિવારના રોજ માર્કેટ ભરાય છે તેમજ નવજીવન અમૃત આહાર સેન્ટર-પાલિતાણા અને ગોપાલ પ્રાકૃતિક આહાર-મહુવા તાલુકામાં ખેડૂત જુથ દ્વારા વેચાણ માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં ઓ.એસ.ડી. સમિતિ આત્મા ગાંધીનગરના દિનેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન અપાયું હતું તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે જિલ્લા ખેતીવાડી અધિકારી એ.એમ. પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન. પરમાર આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જયપાલ ચાવડા સહિત જિલ્લાનાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment