જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામેથી એસઓજી પોલીસે બે ડિગ્રી વગરના ડોક્ટરોને દવાના જથ્થા સાથે ઝડપી લીધા હતા, બીપી માપવાના મશીન, ઈન્જેક્શન અને દવાઓ મળી કુલ રૂ. 7500નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ છેલ્લા બે વર્ષમાં ફેક ડૉક્ટર પકડાવાના કિસ્સાઓમાં વધારો થયો છે. લોકોની મજબૂરીનો લાભ લેતા નજરે ચડ્યા છે. પોતાના પેટ ભરવા માટે લોકોના માળા એક ભૂલથી વિખાઇ જાય છે. તેની તેમને કોઇ ચિંતા નથી. લોકોના જીવન સાથે ખેલતા ડૉક્ટર ઝડપાઇ રહ્યા છે. ફરી વાર એવા જ બે ડૉક્ટરો પકડાયા છે. પોતાના અંગત સ્વાર્થ માટે અને ટુંક સમયમાં પૈસાદાર બનવા માટે લોકો હવે નકલી તબીબો બને છે. ત્યારે એસઓજીના અરજણભાઈ કોડિયાતર અને મયુદિનભાઈ સૈયદને બાતમી મળી હતી કે મોટી ખાવડીમાં સંદીપ ચરણસિંહ રાણા (રહે. તિરુપતિ સોસાયટી-2, મુળ રહે. યુપી) નામનો 12 ધોરણ ભણેલો શખ્સ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપે છે, દરોડો કરી દવાઓ અને સાધનો કુલ મળી રૂ. 3932ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ બીજા દરોડામાં એસઓજીના રમેશભાઈ ચાવડા અને સંદીપભાઈ ચુડાસમાને બાતમી મળી હતી કે બિજલ ભગીરથચંદ્ર બિસ્વાસ (રહે. મોટી ખાવડી, મુળ રહે. પશ્ચિમ બંગાળ) નામનો 10 ધોરણ ભણેલો શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ડિગ્રી વગર ચેડા કરે છે, તેને દવાઓ તથા સાધનો સહિત રૂ. 3616ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.