• રાજ્યવ્યાપી તેમજ આંતરરાજ્ય કૌભાંડ હોવાની શક્યતા


જામનગર મોર્નિંગ - જામનગર


જામનગરમાં એક સરકારી કર્મચારીને ઉંચા વળતરની લાલચ આપી બે શખ્સોએ ઓનલાઇન એપ્લિકેશન થકી કટકે કટકે નાણા પડાવી લીધા હતા. આ પ્રકરણમાં રૂા.9.15 લાખની છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી એજાઝના ખાતામાં રૂા.1.97 કરોડનું ટ્રાન્જેકશન થયાનું હોવાનું બહાર આવ્યું છે જેથી આ રાજ્યવ્યાપી તેમજ આંતરરાજ્ય કૌભાંડની હોવાની શક્યતા સેવાઇ રહી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં વીજ કંપનીના સરકારી કર્મચારીને ઓટો ટ્રેડીંગ તેમજ ફોરેક્સ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી રોકાણના નામે આંબા આંબલી બતાવી હતી. જેમાં દરરોજ 4થી 5 ટકા રોકાણ પર વ્યાજ મળશે તેવું જણાવી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી હતી. જે એપ મારફતે પૈસા જમા કરાવી રૂા.9,19. લાખની છેતરપિંડી કરતા આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થઈ હતી.


આ મામલે પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફે તપાસ હાથ ધરી ગિર સોમનાથ જિલ્લામાં રહેતા એજાઝ અબ્દુલભાઈ ચૌહાણ અને ફૈઝાન મહંમદહુસેન જમાદારને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ ખોટી ઓળખ આપી લોકોને પૈસા રોકાણ કરાવી છેતરપિંડી કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજાઝના ખાતામાં રૂા.1.97 કરોડનું ટ્રાન્સજેક્શન થયું છે જે પરથી પોલીસને અનુમાન છે કે, આ છેતરપિંડી રાજ્યવ્યાપી છે જેથી ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.