જામનગર મોર્નિંગ - દ્વારકા 

દ્વારકા જિલ્લામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી વિરૂધ્ધ વિવિધ બાબતો રજુ કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી મારી નાખવાની ધમકી આપતા ફરજમાં  રૂકાવટ કરવા અંગે ભાટીયાના શખ્સ સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા પાર્થભાઈ હરજીભાઈ તલસાણીયાએ ભાટીયાના કાના દેવાતભાઈ ચાવડા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી શખ્સ કાના ચાવડા દ્વારા કલ્યાણપુર તાલુકામાં આવેલી તેમની જમીનના સંપાદન બાબતે નારાજગી હોય તેના દ્વારા દ્વારકાની પ્રાંત કચેરીમાં રજૂઆત કરાઈ હતી.

આ પ્રકરણમાં શખ્સ દ્વારા પોતાના મોબાઈલ નંબરથી ફેસબુકમાં વિવિધ પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવતાં હતાં, જેમાં તેના દ્વારા અધિકારી પાર્થ તલસાણીયાને કુહાડા વડે જાનથી મારી નાખવાની ધમકી આપતો વિડીયો પણ વાયરલ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જમીન સંપાદનના મુદ્દે કાના દ્વારા અધિકારીનું મનોબળ તોડવા વિડીયો અપલોડ કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 186 તથા 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.