સમાજને મજબુત કરવા ખાસ કરી બાળકો યુવાનોને સચોટ માર્ગદર્શનના અવિરત કાર્યક્રમો--વધુ એક સરાહનીય ૧૦૦૧૧ મો કાર્યક્રમ યોજાયો

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જીલ્લા પંચાયત જામનગર, તાલુકા પંચાયત કાલાવડ, નાની વાવડી ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી મહિલા કોલેજ ખામટા ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ-૧ અંતર્ગત અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જ્ઞાન અને સંશોધનોને કોઈ સીમા રેખા નથી અવિરત ગતિશીલ હોય છે. વિજ્ઞાનની યાત્રા અનંત હોય છે. કોઈપણ વિચારધારા જડ અને બંધિયાર બની જાય છે ત્યારે વિકાસ-પ્રગતિ અટકી જાય છે અને સ્થગિત બની જાય છે તે સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦૧૧ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન પ્રિન્સિપાલ ચેતનાબેન ઠુંમરે કર્યું હતું. તેમણે

અંધશ્રદ્ધાને દેશવટો આપવા હાકલ કરી હતી. શિક્ષણને પ્રાધાન્ય આપી વ્યસન-કુરિવાજને ફગાવવા

અપીલ કરી હતી. જાથાની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી હતી.

કાર્યક્રમનો પરિચય ડૉ. પ્રોફે. શાંતિલાલ રાબડીયાએ આપી, રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત

નાની વાવડીમાં અનેકવિધ પ્રવૃતિઓની સવિસ્તાર માહિતી આપી હતી. જાથાની પ્રવૃતિ સમાજ ઉપયોગી હોય દરેક શિબિરમાં આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી શિવલાલભાઈ ગઢિયા, હીરપરા સંકુલના જમનભાઈ તાળપરા,

પ્રોગ્રામ ઓફીસર અક્ષયભાઈ રૂપારેલીયા, નિકાવાના ભોજાભાઈ ટોયટાએ હાજરી આપી ઉપયોગી સમાજલક્ષીની વાત કરી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ તાલીમાર્થીઓના પ્રશ્નના જવાબમાં પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે નવા વિચારો માટે મનને કાયમ ખુલ્લું રાખવું જોઈએ. સંગઠીત ધર્મોએ કદી નવા વિચારો અને નવા મૂલ્યોને ખેલદિલીથી આવકાર્યા નથી બલ્કે હિંસક બનીને એનો વિરોધ કર્યો છે તે દુઃખદ બાબત છે, વિજ્ઞાન અને તર્કને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વિજ્ઞાન અને કાર્યકારણથી વિશ્વ અને બ્રહ્માંડને સમજી શકાય છે. જગતની ઉત્પત્તિની ભ્રામક વાતો, કથાઓ, આધિભૌતિક કે ઈન્દ્રીયાતીત કલ્પનાઓને વિજ્ઞાન નકારી કાઢે છે. ધાર્મિક આપખુદશાહીના કારણે માનવજાતને ભયંકર નુકશાન થયું છે. વ્યક્તિનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઉપર તરાપ મારી હણી લે છે. માનવવાદ હંમેશા પ્રેમ અને સહિષ્ણુતા પ્રેરે છે.

જાથાના પંડયાએ જણાવ્યું કે સંગઠિત ધર્મ માણસને સારો માણસ, રાષ્ટ્રપ્રેમી બનાવવામાં સદંતર નિષ્ફળ ગયો છે. મોટાભાગના દાણચોરો, માફિયાઓ, ભ્રષ્ટાચારીઓ ઘરમાં પૂજાપાઠ અને પ્રાર્થના કરતા હોય છે તે ક્રિયાકાંડનો ભાગ છે, દંભ છે. તેમના કૃત્યોને ઢાંકવાનું આવરણ છે. દેશવિરોધી કે સમાજવિરોધી કૃત્યો કે પ્રવૃત્તિઓ કરવામાં દંભી લોકોને કયાંય અધર્મ દેખાતો નથી.