જામનગર મોર્નિંગ - જામનગર 

જામગનર જિલ્લાની વિધાનસભાની ચુંટણીના 45 ઉમેદવારો પૈકી જામનગર દક્ષિણની બેઠક પરના આપના અને એક અપક્ષ ઉમેદવાર તેમજ જામજોધપુર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ચુંટણી પંચના નિયમ મુજબના નિયત સમય મર્યાદામાં ફાઈનલ હિસાબો રજુ ન કર્યા હોવાથી ત્રણેયને નોટીસ આપવામાં આવી છે. રાજ્યમાં ચુંટણી પંચના નિયમ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ- 1951ની કલમો મુજબવિધાનસભાની ચુંટણી બાદ પરિણામના 30 દિવસની સમય મર્યાદામાં દરેક ઉમેદવારોએ ચુંટણી ખર્ચના આખરી હિસાબો જિલ્લા ચુંટણી અધિકારીને ફરજીયાત રજુ કરવાના હોય છે. આ બાબતે જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને સમય મર્યાદામાં ચુંટણી ખર્ચના હિસાબો રજુ કરવા લેખિત જાણ કરવામાં આવી હતી.

તા.21 ડીસેમ્બરના રોજ તમામ ઉમેદવારોને ચુંટણી ખર્ચના હિસાબો રજુ કરવા અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. ભારતના ચુંટણી પંચની સુચના મુજબ ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી- 2022માં ઉમેદવારી નોંધાવેલા ઉમેદવારોએ ચુંટણી ખર્ચના હિસાબો રજુ કરવાની સમયમર્યાદા તા.7 જાન્યુઆરીએ પુર્ણ થઈ છે. તેથી જામનગર જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોના ઉમેદવારોમાંથી જે ઉમેદવારો તરફથી ચુંટણી ખર્ચના આખરી હિસાબો રજુ થયા નથી તેવા ઉમેદવારોને જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા નોટીસ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમ એકસપેન્ડીચર મોનીટરિંગ સેલના નોડલ અધિકારી ડીડીઓ મિહિર પટેલે જણાવ્યું હતું. કાલાવડ બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના મેઘજીભાઇ ચાવડાએ 23,36,102, બસપાના મહેન્દ્ર ચૌહાણએ 13,900, કોંગ્રેસના પ્રવીણ મુસડીયાએ 18,01,665, આપના ડો.જીજ્ઞેશ સોલંકીએ 10,86,289નો ખર્ચ કર્યાનું જાહેર કર્યુ હતું.

જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઇ કુંભારવડીયાએ 19,63,222, ભાજપના રાઘવજીભાઇ પટેલે 19,15,861, આપના પ્રકાશ દોંગાએ 15,46,938 અને બસપાના કાસમભાઇ ખફીએ 8,95,281નું ખર્ચ કર્યાનું જાહેર કર્યુ છે. જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ 22,94,952, કોંગ્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ 15,34,487, આપના કરશનભાઇ કરમુરે 13,67,645 અને બસપાના જગદીશ ગઢવીએ 68,121નું ખર્ચ કર્યુ હોવાની જાહેરાત કરી હતી. જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ 20,86,676, કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયાએ 19,87,758, બસપાના મકુબેન રાઠોડે 39,500નું ખર્ચ કર્યાનું જાહેર કર્યુ છે. જયારે આપના ઉમેદવાર વિશાલ ત્યાગી અને અપક્ષ ઉમેદવાર અલીમામદ પલેજાએ ખર્ચની વિગત જાહેર કરી નથી. આ ઉપરાંત જામજોધપુર બેઠકના આપના ઉમેદવાર હેમત ખવાએ 21,45,701, કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયાએ 20,47,684 અને ભાજપના ઉમેદવાર ચિમન સાપરીયાએ 19,08,548નું ખર્ચ જાહેર કર્યુ છે. જયારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શબીર જુણેજાએ ખર્ચની વિગત ચૂંટણીશાખાને મોકલી નથી.