નાના વડાળા ગામે યુવતીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી 

જામનગર મોર્નિંગ - જામનગર 

કાલાવડ તાલુકાના જસાપર ગામ પાસે યુવતી મિત્ર સાથે ફરવા ગયેલ હોય ત્યારે ચુંદડી મોટરસાયકલના વ્હીલમાં ફસાઈ જતા પડી જવાથી મૃત્યુ જ્યારે નાના વડાળા ગામે વાડી વિસ્તારમાં યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા જિંદગી ટૂંકાવી લીધી હતી. 

મળતી વિગત મુજબ મંગળવારે સાંજના સમયે જસાપર ગામથી આગળ બાલાજી ખારેક ફાર્મ સામે હેતલબેન રાજેશભાઈ વડેચા (ઉ.વ. 23) (રહે. ધુડશીયા ગામ) નામની યુવતી પોતાના મિત્ર ખેંગારભાઈ મુંધવા સાથે ફરવા માટે ગયેલ હોય ત્યારે હેતલબેનની ચુંદડી ભૂલથી મોટરસાયકલના પાછળના વ્હીલમાં આવી જતાં રોડ પર પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા રેખાબેન રાજેશભાઈ વડેચાએ પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે કાલાવડ તાલુકાના વડાળા ગામે વાડી વિસ્તારમાં શીતલબેન મહેશભાઈ કટારા (ઉ.વ. 22) (રહે. મેટોડા જીઆઇડીસી, મુળ-મોટા અંબેલા, મહીસાગર) નામની યુવતી નાના વડાળા ગામમાં આવેલ હોય ત્યારે ખેતીના પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા અગમ્ય કારણોસર પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા મહેશભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસમાં જાણ કરી હતી.