કોરા ચેકમાં મોટી રકમ ભરી, ચેક બાઉન્સ કરાવાયો 

જામનગર મોર્નિંગ - જામ ખંભાળિયા

ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ યુવાનને રૂપિયા 30,000 હાથ ઉછીના આપી તેની સામે પાંચ ટકાનું વ્યાજ વસૂલ કર્યા પછી પણ મોટી રકમનો ચેક લખીને બાઉન્સ કરાવવા સબબ દલુ રામદે કારીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ મામદભાઈ ગજણ નામના 49 વર્ષના યુવાને ઓક્ટોબર 2021 માસમાં પ્રતિમાસ પાંચ ટકાના વ્યાજથી અહીંના દલુ રામદેભાઈ કારીયા પાસેથી રૂપિયા 30,000 લીધા હતા. તેના બદલામાં દલુ કારીયાએ કોરા રજીસ્ટરમાં હુસેનભાઈની સહી કરાવી, બે કોરા ચેક લઈ લીધા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી શખ્સે એક દિવસના રૂપિયા 600 લેખે 29 દિવસના કુલ રૂપિયા 17,400 લઈ લીધા પછી બાકી રહેતા રૂપિયા 12,600 સામે આરોપી દ્વારા વ્યાજ સહિત ફરિયાદી પાસે રૂપિયા 56,000 ની માંગણી કરી, આ રકમ બળજબરીપૂર્વક કઢાવી લેવાના ઇરાદે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા ફરિયાદી હુસેનભાઈની સહીવાળા કોરા ચેકમાં રૂપિયા ચાર લાખ દસ હજાર જેટલી મોટી રકમ ભરી અને બેંકમાં ચેક બાઉન્સ કરાવી, ફરિયાદી હુસેનભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

નાણા ધીરધારના લાયસન્સના નિયમની વિરુદ્ધ વસૂલવામાં આવતા પઠાણી વ્યાજ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં દલુ રામદે કારીયા સામે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા ધ મની લેન્ડર્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.