સપ્લાયરનું નામ ખુલતા શોધખોળ: અન્ય ત્રણ દરોડામાં 52 નંગ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયા 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં અંધઆશ્રમ વિસ્તારમાં રહેતી મહિલાના મકાનમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની 80 નંગ બોટલ સાથે મહિલા સહિત ત્રણ શખ્સને ઝડપી લઈ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે જયારે અન્ય ત્રણ દરોડામાં સ્થાનિક પોલીસે ઈંગ્લીશ દારૂની 52 નંગ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ રૂ. 26 હજારનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગરમાં અંધઆશ્રમ વિસ્તારમાં રહેતી એક મહિલા દારૂની હેરાફેરી કરતી હોવાની બાતમી સીટી સી ડીવીઝનના હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાને મળતા રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી 80 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો રૂ. 40,000નો મુદામાલ કબ્જે કરી અંધશ્રમ પાછળ સત્યમ કોલોની અંડર બ્રિજ પાસે રહેતી આરતીબા વિરેન્દ્રસિંહ સોઢા સાગર રામજીભાઈ બારૈયા અને યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે સપ્લાય કરનાર દીપક પુરોહિત નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી. 

જયારે ગાગવાધાર વિસ્તારમાં રાંદલ માતાજીના મંદિર પાસે પરબત ભીખા મસુરાના મકાનમાં મેઘપર પોલીસે બાતમીના આધારે દરોડો કરી રૂ. 21,000ની ઈંગ્લીશ દારૂની 42 નંગ બોટલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત લાલપુરમાં દવે કાકા ચોકમાં રહેતા કિશન હિતેશ સવસાણીના રહેણાંક મકાને લાલપુર પોલીસે બાતમીના આધારે દરોડો કરી રૂ. 4000ની કિંમતની આઠ નંગ બોટલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અને લાલપુર તાલુકાના ગજાણા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિપુલ કરશન પરમાર નામના શખ્સને ઈંગ્લીશ દારૂની બે નંગ બોટલ કિંમત રૂ. 1000ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.