આ જાગૃતિ રથ જામનગરના ગામડાઓમાં ફરીને લોકજાગૃતિનું કાર્ય કરશે 

જામનગર મોર્નિંગ - જામનગર 

સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૧૫થી 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અમલીકૃત કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી, જામનગર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત, જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે 'બેટી બચાવો, બેટી પઢાવો' જાગૃતિ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. 

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાલ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ જાગૃતિ રથ જામનગર જિલ્લાના ૧૦૦ જેટલા ગામડાઓમાં જઈને લોકોને જાગૃત કરશે. તેમજ આગામી ૨૦ દિવસ માટે સામાજિક જાગૃતિ, દીકરો- દીકરી એક સમાન, બેટી બચાવો, બેટી પઢાવો જેવા વિવિધ વિષયોને આવરી લેતી ટૂંકી ફિલ્મો આ રથમાં લગાવેલી એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. 

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, હંસાબેન ટાઢાણી, રુકસાદબેન ગજણ, ડિમ્પલબેન પાથર, તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.