ટાપુ પર પ્રતિબંધ ભંગનો પ્રથમ ગુનો 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


પશ્ચિમના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ટાપુ વિસ્તાર કે જે નિર્જન અને ખૂબ જ સંવેદનશીલ હોય, આવા વિસ્તારોમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. ત્યારે સલાયા મરીન પોલીસની આ અંગેની કામગીરીમાં પ્રથમ વખત ખંભાળિયા તાલુકાના કાળુભાર ટાપુ પરથી બે શખ્સોને મંજૂરી વગર પ્રવેશતા ઝડપી લીધા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. શીંગરખીયા તથા સ્ટાફ દ્વારા આજરોજ આ વિસ્તારના ટાપુઓમાં ચેકિંગ કાર્યવાહી અંતર્ગત બોટ પેટ્રોલિંગ દરમિયાન જામનગર તાલુકાના જોડીયા ભુંગા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા તથા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સુલતાન હુસેન સન્ના અને વાડીનારના હુસેની ચોકમાં હાલ રહેતા સરમત ગામના આરીફ ઈબ્રાહીમ કરેચા નામના બે શખ્સોને માછીમારી કરતાં ઝડપી લઇ, આ બંને શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે સંવેદનશીલ ટાપુ પરથી મંજૂરી વગર માછીમારી કરી અને જાહેરનામાનો ભંગ કરતા શખ્સોને ઝડપી લેવાનો આ પ્રથમ ગુનો નોંધાયો છે. જે અંગેની કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.એન. શીંગરખીયા, એ.એસ.આઈ. નગાભાઈ લુણા, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર તથા રાયમલભાઈ વડેસાણીયા દ્વારા કરવામાં આવી હતી.