નવ માસમાં છ હજારથી વધુ ડાયાલિસિસ અને સાત હજારથી વધુ ઓપરેશન કરાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


 ઘર આંગણે જ લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળે તે હેતુથી રાજ્ય સરકાર સુસજ્જ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકમાત્ર સૌથી મોટી આરોગ્ય લક્ષી સેવાઓ આપતી ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં બહારના દર્દીઓની તપાસ (ઓ.પી.ડી), અંદરના દર્દીઓની સારવાર (આઇ.પી.ડી.), 24*7 ઇમરજન્સી સેવાઓ, લેબોરેટરી પરીક્ષણો, એક્સ-રે, ડાયાલીસીસ સેવાઓ, ફિઝીયોથેરાપી, 24*7 પ્રસુતી સેવાઓ, 24*7 બ્લડ બેંક અને ઓપરેશન થીયેટર ઉપલબ્ધ છે.

અહીંની જનરલ હોસ્પિટલ ખાતે એપ્રીલથી ડિસેમ્બર-2022 સુધીમાં બહારના દર્દીઓ (ઓ.પી.ડી.) - 1,30,869, અંદરના દર્દીઓ (આઇ.પી.ડી.) - 29,925, લેબોરેટરી પરીક્ષણો - 287948, એક્સ-રે -8031, ડાયાલીસીસ - 6272, ફિઝીયોથેરાપી- 7349, નોર્મલ પ્રસૂતિ - 1027, સીઝેરીયન - 266,બ્લડ ટ્રાન્ફયુઝન - 2196 તેમજ મેજર સર્જરી - 2784 અને માઇનોર સર્જરી - 5023 જેવી આરોગ્ય લક્ષી સેવાઓ દર્દીઓને આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના દરેક ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબને નિયત માપદંડો પ્રમાણે આરોગ્ય વિષયક સેવાઓ દર્દીઓને સરળતાથી સત્વરે મળી શકે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) યોજના અંતર્ગત અહીંની હોસ્પિટલમાં એપ્રીલથી ડિસેમ્બર - 2022 સુધીમાં કુલ- 2545 લાભાર્થીઓને આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. જન્મ જાત પગની ખોડ ખાપણવાળા નવજાત બાળકોની સારવાર માટે નિ:શુલ્ક રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંર્તગત ક્લબ ફુટ ક્લીનીક કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં બાળકોનું નિદાન કરી જરૂરિયાત મુજબની સારવાર કરવામાં આવે છે. હાલમાં 9 બાળકોની ક્લબ ફુટ કલીનિકમાં સારવાર કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા કોવીડ- 19 પેન્ડામીકની અસરોની પહોંચી વળવા સંસ્થા ખાતે હાલ 150 બેડની અલાયદી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. સાથે તમામ પથારીઓ પર ઓક્સિજનની સુવિધા પ્રાપ્ત છે. ઉપરાંત 49 વેન્ટીલેટર પણ ચકાસીને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આ સાથે હોસ્પિટલમાં જરૂરીયાત મુજબનો દવાનો જથ્થો પણ હાજર રાખવામાં આવ્યો છે. જે અંગેની માહિતી સરકારી જનરલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી છે.