જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં વોકિંગમાં નીકળેલ મહિલાના હાથમાંથી મોબાઈલની લૂંટ ચલાવનાર શખ્સને સીટી સી ડિવિઝન પોલીસે ઝડપી લઈ વધુ પુછપરછ હાથ ધરતા અન્ય એક મહિલાના ગળામાંથી દાગીનાની ચીલઝડપની કોશિષ કરી હોવાની કબુલાત આપી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ ગોકુલનગર વિસ્તારમાં મુરલીધરનગર-3 શેરી નંબર 11માં રહેતા ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ પરમારના પત્ની ઘરેથી થોડે દૂર વોકિંગ કરવા જતા હતા ત્યારે કુદરત રેસીડન્સી પાસે રોડ પર એક શખ્સ મોટરસાયકલ લઈને આવી તેના હાથમાં રહેલ રૂ. 15 હજારનો મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયો હોય જેની ફરિયાદ ગુરુવારે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પીઆઈ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.બી. બારબસીયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે જાવેદભાઈ વજગોળ અને વિપુલભાઈ સોનગરાને બાતમી મળી હતી કે સીસીટીવી ફુટેજમાં દેખાય છે તે શખ્સ રડાર રોડ પર બંસી સ્કૂલની બાજુમાં કોઈ બનાવને અંજામ આપવાની ફિરાકમાં આંટાફેરા કરે છે ત્યાંથી જઈ પોલીસે અયોધ્યાનગર, રામ મંદિર પાસે રહેતો રાહુલ પાલાભાઈ કંડોરીયા નામના શખ્સને ઝડપી લઈ લૂંટમાં ઉપયોગ લેનાર જીજે 10 ડીકે 7278 નંબરનું મોટરસાયકલ તેમજ ચોરીમાં ગયેલ રૂ. 15 હજારનો ફોન કબ્જે લઈ વધુ પુછપરછ હાથ ધરતા રાહુલ નામના શખ્સે દસ દિવસ પહેલા ગોકુલનગરમાં ગોરબાપા વાળી ગલીમાં એક મહિલાના ગળામાં પહેરેલ દાગીનાની ચીલઝડપની કોશિષ કરી હોવાની કબૂલાત આપી હતી.