રૂ. બે લાખ લેતા એસીબી પોલીસે દબોચી લીધા: અન્ય બે શખ્સોની પણ ધરપકડ 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયા શહેરની બગલમાં આવેલી રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ઘી ડેમમાંથી વાહનો મારફતે કાંપ કાઢી અને નીકળવા દેવા માટે ગ્રામ પંચાયતના સરપંચના પતિદેવ તેમજ મહિલા સદસ્યાના પતિ સભ્ય વિગેરે દ્વારા આસામીઓ પાસે મોટી રકમની લાંચ માંગવામાં આવતા આ અંગે કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને એસીબી પોલીસે લાંચનું છટકું ગોઠવી, રૂપિયા બે લાખ કટકટાવતા મહિલા સરપંચના પતિ તથા અન્ય એક કોન્ટ્રાક્ટરને ઝડપી લીધા હતા. આ પછી ગ્રામ પંચાયતના સભ્ય સહિત અન્ય બે શખ્સો પણ ઝડપાઈ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગે એસીબી સૂત્રો દ્વારા સાંપળેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલા ઘી ડેમમાંથી ફળદ્રુપ એવો કાંપ કાઢી અને વાહન મારફતે રામનગર ગ્રામ પંચાયતના વિસ્તારમાંથી નીકળવા બાબતે ફરિયાદી સહિતના આસામીઓ પાસેથી રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટરની સામે રહેતા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવ એવા સુનીલ કાંતિલાલ નકુમ (ઉ.વ. 33), તેની સાથે અન્ય એક શખ્સ અને કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્ર ઉર્કે જીતુ રમેશભાઈ નકુમ (ઉ.વ. 28), ગ્રામ પંચાયતના સદસ્ય પાંચા મનજીભાઈ નકુમ અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ એવા લલિત વેલજીભાઈ ડાભી નામના ચાર શખ્સોએ મળી અને ફરિયાદી તથા સાહેદો પાસેથી પોતાના હોદ્દા તથા પત્ની તેમજ સગા સંબંધીના હોદ્દાની રુએ આંખ આડા કાન કરવા બદલ રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી.

ફરિયાદી પાસે આરોપી શખ્સોએ મોબાઈલ ફોન તેમજ રૂબરૂ અવારનવાર રોકડ રકમની લાંચ માંગીને હેરાન પરેશાન કરતા કંટાળેલા જાગૃત ફરિયાદીએ ખંભાળિયા સ્થિત જિલ્લા એ.સી.બી. પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો. જે સંદર્ભે જિલ્લામાં નવનિયુક્ત મહિલા પી.આઈ. આર.એમ. રાઠોડ તથા તેમની ટીમ દ્વારા લાંચ અંગેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આથી આરોપી શખ્સો દ્વારા માંગવામાં આવેલી રૂપિયા ત્રણ લાખની લાંચ અંગે રકઝકના અંતે તેઓને રૂપિયા બે લાખ આપવાનું નક્કી થયું હતું. જે અંગેની રોકડ રકમ સાથે આવેલા ફરિયાદીએ ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડા પાસે તેમની ઓફિસ નજીક પહોંચી અને આ સ્થળે હાજર રહેલા મહિલા સરપંચના પતિ સુનિલ કાંતિલાલ નકુમ તથા કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશભાઈ નકુમને રૂપિયા બે લાખ આપતા તુરત જ એસીબી પોલીસ પ્રગટ થઈ હતી અને મહિલા સરપંચના પતિ સહિત બંનેને રોકડ રકમ સાથે દબોચી લીધા હતા.

ત્યાર બાદ બંનેને અહીંની એસીબી કચેરી ખાતે લઈ જઈ અને બંનેની વિધિવત રીતે ધરપકડ કર્યા બાદ ફરિયાદમાં જણાવેલા અન્ય બે આરોપી એવા ગ્રામ પંચાયતના સભ્ય પાંચાભાઈ મનજીભાઈ નકુમ તથા મહિલા સભ્યના પતિ લલીતભાઈ વેલજીભાઈ ડાભીની પણ અટકાયત કરી લીધી હતી. એ.સી.બી. પોલીસે હોદ્દાની રૂએ ગ્રામ પંચાયતના સભ્ય પાંચાભાઈ મનજીભાઈ નકુમના ઘરે સર્ચ ઓપરેશન કર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક સાહિત્ય મળ્યું ન હતું.

ઝડપાયેલા આ શખ્સોને રાજકોટની મુખ્ય કચેરી ખાતે લઈ જવાયા હતા. જ્યાં જરૂરિયાત મુજબ આરોપીના રિમાન્ડની તજવીજ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસીબી કચેરીમાં લાંબા સમય બાદ કાયમી પી.આઈ.ની તરીકે મહિલા અધિકારી આર.એમ. રાઠોડને મુકવામાં આવ્યાના એક સપ્તાહની અંદર જ આ મોટું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ માટે રાજકોટ એકમના મદદનીશ નિયામક વી.કે. પંડ્યા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ, સદસ્ય સહિતના શખ્સો સામે એસીબીની કાર્યવાહીએ શહેરભરમાં ભારે ચર્ચા સાથે લાંચિયા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે.