પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ  જી.જી. હોસ્પિટલમાં દોડતો થયો: ફરીયાદ નોંધવા તજવીજ

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે બે યુવાનો વચ્ચે મારામારીમાં એક યુવાનને ઇજા

બીજો યુવાન મારામારી પછી ભાગવા જતાં વાહન સાથે ટકરાઈ ગયા પછી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે બે યુવાનોને મારા મારી થઈ હતી, અને એક યુવાન પર છરી વડે હુમલો કરાતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જયારે બીજા યુવાનને ભાગવા જવાથી એક વાહન સાથે ટકરાઈ જતા તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો દોડતો થયો છે, અને આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા સામત ભીમસિભાઈ વસરા નામના આહિર જ્ઞાતિના યુવાન પર ગઈકાલે મોડી રાત્રિના સમયે જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા ભીમશી આંબલીયા નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, અને છરીના ત્રણ ઘા વાગ્યા હોવાથી સામતને ઇજાગ્રસ્ત હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ બનાવ પછી ભીમશી આંબલીયા ભાગવા જતાં તે એક વાહન સાથે ટકરાઈ ગયો હતો, અને તેનો સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતાં ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી સહિતની પોલીસ ટુકડી બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી આવી છે, અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

મૃતક યુવાન અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે, કે તેને કોઈ હથિયાર વડે ઈજા થઈ છે, તે જાણવા તપાસ ચલાવાઇ રહી છે.  આ બનાવ અંગે પોસ્ટમોર્ટમ પછી તેનું ક્યા કારણસર મૃત્યુ થયું છે, તેની હકીકત જાણી શકાશે.