જામનગરના આધેડ કોન્ટ્રાકટરની કરપીણ હત્યા નીપજાવી ત્રણ આરોપી નાસી ગયા: એક હુમલાખોર ઘવાયો 

સાત વર્ષ પહેલાનું હત્યા અંગેનું જુનું મનદુખ ચાલતું હોવાથી આરોપીઓએ શાપર ગામ પાસે આઘેડની કારને આંતરી લઈ હત્યા નિપજાવાઈ

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક ખંભાલીયા ધોરીમાર્ગ પર સાપર ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો સામે આવી છે.  સાત વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય શખ્સો એ જ ગુરુવારે રાત્રે આધેડની કારને આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. બીજી તરફ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને પણ ગંભીર ઈજાઓ પહોચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહીત સમગ્ર હાલારમાં ચકચાર સાથે સનસનાટી ફેલાવનારા આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં આવેલ શાળા પાસે રહેતા ભીમશીભાઈ આંબલીયા નામના આધેડ વસઈ ગામ નજીકના ધોરી માર્ગ પર જામનગરથી રિલાયન્સ કંપની તરફ પોતાની બ્રેજા કાર ચલાવી પસાર થતા હતા, ત્યારે જામનગરમાં જ અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખ્સોએ ભીમસીભાઈની કારને આંતરી લઇ છરીઓ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ભીમસીભાઈને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને લોહીના ખાબોચિયા વચ્ચે જ આખરી શ્વાસ ભર્યો હતો. 

બીજી તરફ આરોપી સામતભાઈને પણ પેટના ભાગે છરીના ઘા વાગી જતા તેઓને ૧૦૮ મારફતે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં રહેતા ભીમસીભાઈના પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓના પત્ની સહીતનો પરિવાર ઘટના સ્થળ અને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ અને મૃતક બંનેને લઇ આવવામાં આવ્યા ત્યારે બંને પક્ષના શખ્સો એકત્ર થતાં તંગદીલી પ્રસરી હતી. પોલીસે તમામ શખ્સોને દુર કરી મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદ નોંધી હતી.

આરોપી સામતભાઈના સબંધિઓએ સાત વર્ષ પૂર્વે મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈનું ખૂન કર્યું હતું. ત્યારથી તેઓની સાથે ભીમસીભાઈના પરિવારને મનદુઃખ ચાલતું આવે છે. આ જ મનદુઃખને લઈને આરોપીઓએ ભીમસીભાઈની હત્યા નીપજાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ ૩૦૨ સહિતની જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલા આરોપીઓના સઘડ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

-હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનું આરોપીઓનું કારસ્તાન નિષ્ફળ નીવડ્યું-

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે જામનગરના કોન્ટ્રાક્ટર પર હુમલો કરી હત્યા નિપજાવવાનો મામલો સામે આવ્યો છે, જેમાં મૃતક ભિમશીભાઈ કે જેની હત્યા કરી નાખ્યા પછી આરોપીઓએ આ બનાવને અકસ્માતમાં મૃત્યુ તરીકે ગણાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. જે સમગ્ર મામલામાં જામનગર ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ વગેરે દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કર્યા પછી આ બનાવ હત્યાનો હોવાનું ગણ્યું હતું અને મૃતકના પત્નીની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે. જોકે હાલમાં ત્રણ આરોપી ભાગી  છુટયા હોવાથી પોલીસે તેઓને પકડવા માટે નાકાબંધી કરી છે.