એક પ્રોવિઝન સ્ટોર- એક ઇલેક્ટ્રીક અને અગરબત્તીની દુકાનમાં છાપરા તોડી પ્રવેશ મેળવ્યો: અડધા લાખની ઉઠાંતરી

ત્રણ બત્તી વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન તસ્કરોએ સતત પાંચમી વખત હાથ ફેરો કર્યો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં ઝુલેલાલ મંદિરની સામે આવેલી એકી સાથે ત્રણ દુકાનો ને તસ્કર ટોળકીએ નિશાન બનાવી છે. ઉપરનું પતરું તોડી અંદર પ્રવેશ મેળવ્યો હતો, અને ત્રણેય દુકાનોમાંથી રૂપિયા અડધા લાખની માલમત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં સતત પાંચમી વખત ચોરી થઈ છે.

ચોરીના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં જુલેલાલ મંદિરના સામેના ભાગમાં આવેલી ઝુલેલાલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું છાપરું તોડી ઉપરથી ગઈ રાત્રે કોઈ તસ્કરો એ પ્રવેશ મેળવી લીધો હતો, અને દુકાનની અંદરનો માલ સામાન વેર વિખેર કર્યો હતો. ઉપરાંત બાજુમાં જ આવેલી ખોડીયાર ઇલેક્ટ્રીક એન્ડ અગરબત્તીની દુકાન તથા અન્ય એક અનાજ કરિયાણાની દુકાન સહિત ત્રણ દુકાનમાં તસ્કરો એ ખાતર પાડ્યું હતું, અને આશરે રૂપિયા અડધા લાખની માલ સામગ્રી ઉઠાવી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ત્રણ બત્તી વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સતત પાંચમી વખત ચોરીનો બનાવ બન્યો છે. જેથી વેપારીઓમાં રોષ ફેલાયો છે.