પોલીસ દ્વારા તપાસ દરમિયાન મૃતકના મિત્ર એવા બે શખ્સોની ધરપકડ: સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કારણભૂત
જામનગરમાં ૧૧માં ધોરણના વિદ્યાર્થીનું તેના બે મિત્રોએ જ અપહરણ કરી હત્યા કરી મૃતદેહ સળગાવ્યો
સીસીટીવીના આધારે અપહરણ બનાવ સામે આવ્યો: આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ બાદ હત્યાની કબુલાત
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં મોહનનગર આવાસમાં રહેતા અને ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીનું ગુરુવારે અપહરણ થયું હતું આ અંગે તરૂણના પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમ્યાન ગઈકાલે આ તરૂણનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગળેટૂંપો આપી હત્યા નીપજાવાયા પછી મૃતદેહને સળગાવી નાખવામાં આવ્યો હતો. આખરે સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટી જવા પામ્યો છે. અને મૃતકનાં જ બે અંગત મિત્રોએ આ કૃત્ય આચર્યું હોવાથી પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આ સનસનીખેજ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના ૧૭ વર્ષના પુત્ર હાર્દિકનું ગુરુવારે અપહરણ થયું હતું. ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર હાર્દિક સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને માતા ઉષાબેન ગોપાલભાઈ પીઠડિયાની ફરિયાદના આધારે અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.
બીજી તરફ ગઈકાલે સવારે હાર્દિકનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ સુવરડા અને બે ભાઈ ડુંગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આથી પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી, અને તપાસને વેગ આપ્યો હતો. પોલીસ તપાસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આકર્ષણના કારણે તેના જ બે મિત્રો સુભમ નિલેશભાઈ પરમાર (૨૪) અને ખુશાલ મનીષભાઈ બારડ (૨૨) એ પ્રથમ અપહરણ કર્યું હતું, અને તેની ગળાટુંપો આપી હત્યા નિપજાવી હતી. ઉપરાંત તેને કોઈ પ્રવાહી વાળું ઇન્જેક્શન આપી તેના મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવ્યો હતો. આ સમગ્ર પ્રકરણનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, અને બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહનનગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી બાઈક ઉપર હાર્દિક ને સાથે લઈ જનાર બંનેની પોલીસે ઓળખ મેળવી તેની શોધી કાઢ્યા હતા.અને બંનેને ઝડપી લેવાયા પછી પુછપરછમાં સમગ્ર બનાવનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો. મૃતક હાર્દિક સાથે તેના બંને મિત્રો આકર્ષણ ધરાવતા હતા અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા હોવાનું પણ અનુમાન લગાવાયું છે. ગુરુવારે પણ આ માટે જ હાર્દિકને પોતાના બાઈકમાં ઉપાડી ગયા હતા.જયાં આનાકાની થતા બંને મિત્રો એ જ હાર્દિકને કોઈ ઈન્જેકશન આપ્યા પછી ગળાટુંપો આપી હત્યા નિપજાવી, પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પેટ્રોલ છાંટીને સળગાવી નાખ્યો હતો. આખરે પોલીસે સમગ્ર બનાવ ઉપરથી પડદો ઊંચકી નાખી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ અને મૃતક વચ્ચે સજાતીય સંબંધ હોવાનો ખુલાસો
આ સમગ્ર બાબતમાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળતી વિગતો અનુસાર ગુમ થનાર સગીરને તેમના જ બે મિત્રો શુભમ પરમાર અને મનીષ બારડ નામના બે વ્યક્તિઓ સાથે સજાતીય સંબંધો હતા. કોઈ એક આકર્ષણના કારણે તેઓ રિલેશનશીપમાં હતા અને કોઈ બાબતને લઈને મનદુઃખ હોવાના કારણે તેને જામનગર નજીક સુવરડા ગામની સીમમા લઈ જઈ તેને ગળે ટૂંકો આપી અને ઇન્જેક્શન વડે કોઈ પ્રવાહી તેના શરીરમાં નાખી તેમજ પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી.
મૃતકની માતાએ કહ્યું જેને ઘરે જમાડ્યો, દીકરાની જેમ રાખ્યો તેણે જ મારા દીકરાની હત્યા કરી
મૃતક યુવકની માતાએ કહ્યું કે જેણે હત્યા કરી છે એમાંથી એક યુવકને મારો દીકરો ભાઈ માનતો હતો. મેં તેને દીકરાની જેમ રાખ્યો અને મારા ઘરે જ ખાતો હતો તેણે જ મારા દીકરાની હત્યા કરી નાંખી છે. મૃતકની માતાએ આ બંને હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.
સમગ્ર બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી
બનાવની ફરિયાદ નોંધાતા જ સીટી એ ડિવિઝન પીઆઇ નિકુંજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એસ. વાળાની સૂચનાથી સ્ટાફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવી મૃતક યુવાને છેલ્લે કોની સાથે વાત કરી હતી તેના લાસ્ટ સીનના આધારે આરોપી સુધી પહોંચી જઈ ગુરુવારે રાત્રે જ આરોપીઓને ઉઠાવી લીધા હતા અને પૂછપરછ હાથ ધરી હતી અને સવાર સુધી અમે હાર્દિકને રોડ પર મૂકી દીધો હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું, અંતે પોલીસની સઘન પૂછપરછ આગળ આરોપીઓ ભાંગી પડ્યા હતા અને પોતે જ હત્યા નિપજાવી હોવાનું કબુલ્યું હતું. આમ સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.
0 Comments
Post a Comment