ઘર કામ કરવા જવા બાબતે પતિ સાથે તકરાર થયા પછી ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર છરીના બે ઘા ઝીંક્યા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતા એક મહિલા પર તેણીનાજ પતિએ છરી વડે હુમલો કરી દેતાં તેણીને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાઇ છે, જ્યારે પોલીસે હુમલાખોર પતિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલાના બનાવની વિગતે એવી છે કે જામનગર તાલુકાના રાવલસર ગામમાં રહેતી માનસી બેન અજયભાઈ રાજાણી નામની ૩૫ વર્ષની ચારણ યુવતી પર ગઈકાલે તેણીનાજ પતિ આજમલ લુણાભાઈ રાજાણીએ છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેણીએ પતિને રોકવાનો પ્રયાસ કરતાં હાથમાં છરીના બે ઘા મારીગ દીધા હોવાથી તેણી ઈજાગ્રસ્ત બની હતી, અને રક્તસ્ત્રાવ થયો હતો.

જેથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને તબીબો દ્વારા જરૂરી સારવાર કરવામાં આવી હતી.

આ બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને માનસી બેન નું નિવેદન નોંધતાં તેણી એ પોતાના જ પતિ અજમલ લુણાભાઈ રાજાણી સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી માનસી બેન ઘર કામ કરવા જઈ રહી હતી, દરમિયાન તેણીના પતિએ  ઘરકામ કરવા જવાની ના પાડી હતી, અને પતિ ઉશ્કેરાયો હતો, અને આક્રોસમાં આવી જઈ છરીના બે ઘા ઝીંકી દીધા હતા, અને ભાગી છૂટ્યો છે. જે હુમલાખોર આરોપીને પોલિસ શોધી રહી છે.