કાલાવડના કોઠા ભાડુકીયા ગામની એક વાડીમાંથી રૂપિયા ૯.૩૦ લાખની કિંમતની ૧૮૬૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે

દારૂનો જથ્થો મંગાવનાર અને વેંચાણ કરનાર બે શખ્સોની અટકાયત: જયારે દારૂના સપ્લાયર રાજકોટના શખ્સને ફરારી જાહેર કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર 

તસ્વીર: ભરત રાઠોડ, કાલાવડ

જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે માતબર દારુ આયાત કરાયો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે કોઠા ભાડુકીયા ગામમાં આવેલી એક વાડીમાં દરોડો પાડી વાડીમાં સંતાડેલો ૯.૩૦ લાખની કિંમતનો ૧,૮૬૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો અને વાહનો સહિત રૂપિયા ૨૦,૧૧,૦૦૦ની માલમતા પોલીસે કબજે કરી છે, અને બે શખ્સોની અટકાયત કરી છે. જયારે દારૂના સપ્લાયરને ફરારી જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે કાલાવડ ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે કાલાવડ તાલુકાના કોટા ભાડુકીયા ગામની સીમમાં રહેતા બલભદ્રસિંહ ઉર્ફે બળુભા પ્રવિણસિંહ જાડેજાની વાડીમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈને ઇંગલિશ દારૂનો માતબર જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેના સાગરીતની મદદથી ખાનગીમાં વેચાણ કરવાની પેરવી ચાલી રહી છે. જે બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઇ એચ.વી. પટેલ અને તેમની ટીમે ગઈ મોડી રાત્રે ઉપરોક્ત વાડી પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન વાડીમાંથી ઇંગ્લિશ દારૂની ૧,૮૬૦ નંગ બાટલીનો માતબર જથ્થો મળી આવ્યા હતો.

આથી પોલીસે ૯ લાખ ૩૦ હજારની કિંમતનો ઇંગલિશ દારૂ અને રૂપિયા દસ લાખની કિંમતની ર થાર ગાડી તેમજ એક મોટરસાયકલ અને પાંચ નંગ મોબાઈલ સહિત ૨૦,૧૧,૦૦૦ની માલમતા કબજે કરી છે. જે દારૂના જથ્થા સાથે વાડી માલિક બળભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેના સાગરીત રતનપર ગામના કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જેઠવાની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજકોટના સન્ની રાવતભાઇ આહીર દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.