અન્ય મોટરસાયકલના ચાલક તથા પાછળ બેઠેલા યુવાનને નાની મોટી ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામના પાટીયા પાસે બે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં એક બાઈકના ચાલક ખડખંભાળિયા ગામના યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બાઈકના ચાલક અને પાછળ બેઠેલા યુવાન બંનેને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખડ ખંભાળિયા ગામમાં રહેતો સાગર વલ્લભભાઈ વાડોદરિયા નામનો ૨૬ વર્ષનો યુવાન ગત ૨૮મી તારીખે પોતાનું મોટરસાયકલ લઈને લાલપુર તાલુકાના રક્કા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો, દરમિયાન સામેથી આવી રહેલા નંબર વગરના એક બાઈકના ચાલકે જોરદાર ટક્કર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સાગરભાઇને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું છે.
આ ઉપરાંત અકસ્માત સર્જનાર નંબર વગરના બાઈક ચાલક અને તેની પાછળ બેઠેલા એક યુવાન, જે બંનેને પણ આ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા થઈ હતી, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક સાગરભાઇના કાકા મુકેશભાઈ પરસોત્તમભાઈ વાડોદરિયા એ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં લાલપુરનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે, તેમજ હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
0 Comments
Post a Comment