જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક્શન પ્લાન ઘડાયો: ૬૨ ટીમો તહેનત કરાઈ

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેર અને જિલ્લામાં આગામી ૩૧મી ડિસેમ્બર ની રાત્રિના યોજાનારા રંગારંગ ઉજવણીના આયોજનો પર જામનગરના પોલીસ તંત્રની બાઝ નજર રહેશે, અને સમગ્ર જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તે માટે જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, અને ખાસ આયોજન અર્થે સમગ્ર જિલ્લામાં જુદી જુદી પોલીસ ની ૬૨ જેટલી ટીમોને તૈયાર કરવામાં આવી છે. 

જામનગર શહેર અને ખાસ કરીને હાઇવે રોડ પર આવેલી જુદી જુદી હોટલો, પાર્ટી પ્લોટ વગેરે સ્થળો પર યુવા વર્ગ દ્વારા નવા વર્ષને વધાવવા માટેના રંગરંગ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે, અને નવા વર્ષની વિશેષ રૂપે ઉજવણી થઈ રહી છે.

આ કાર્યક્રમમાં દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને, તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જામનગરની એલસીબી એસઓજીની ટુકડી ઉપરાંત જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનની ટીમ તથા જામનગર જિલ્લાના તમામ પોલીસ મથકો સહિત કુલ ૬૨ જેટલી પોલીસ ટુકડીને જિલ્લામાં તૈયાર કરી લેવામાં આવી છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂના નશામાં છાંકટા વેળા કરનારાઓને પાઠ ભણાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે પણ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે.

ત્યારે જિલ્લાની તમામ ચેકપોસ્ટ તથા અન્ય પ્રવેશદારો પર પોલીસની ટીમોને તૈનાત કરી વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ દ્વારા ખલેલ પહોંચે તેવી પ્રવૃત્તિ કરવામાં આવે, તેવું ધ્યાનમાં આવશે, તો તેઓ સામે તુરતજ એક્શન લેવામાં આવશે. તેમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ એક નિવેદનમાં જણાવ્યું છે.