ખુદ જિલ્લા પોલીસવડાની રાહબરીમાં બંગલા સહિતના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

એસડીએમ- મામલતદારની ટીમની હાજરીમાં કુખ્યાત રજાક સાયચાનો ગેરકાયદેસર બંગલો જમીનદોસ્ત કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર 

અગાઉ અમદાવાદ શહેરમાં કુખ્યાત અને ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારોના ગેરકાયદેસર મકાન, બિલ્ડિંગ પર બુલડોઝરથી ધમરોળવા માટે જાણીતા યંગ આઇપીએસ ઓફિસર પ્રેમસુખ ડેલુના ફરીથી બુલડોઝર અભિયાનનો શંખ આજે જામનગરમાં ફૂકાયો છે. અને બેડી વિસ્તારમાં નામચીન ગુનેગાર રજાક સાયચા દ્વારા સરકારી જમીનમાં ખડકી દેવાયેલો મોટો બંગલો કે જેના પર આજે ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં બંગલો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે.

હાલમાં જામનગર જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેરમાં જુગારનો અડ્ડોથી લઈને સામાન્ય લોકોને રંજાડીને ખૂનની કોશિશ, મારામારી જેવા અસંખ્ય ગુના આચરીને કહેર મચાવનાર કુખ્યાત ગુનેગાર રજાક સાયચાનાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર બંગલો બનાવીને કબ્જો કરલાં બંગલો પર બુલડોઝર ફેરવીને જમીન પરાસ્ત કરી નાખવામાં આવી છે.

આ કુખ્યાત ગુનેગાર અને તેના પરિવાર વિરૂદ્ધ જામનગર જિલ્લામાં ખુનની કોશિશ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાન પચાવી પાડવા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જુગાર, પ્રોહિબિશન જેવા અંદાજિત ૫૦ (પચાસ) કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલાં છે.

આમ, આવી અસામાજીક પ્રવૃતિઓ કરતા ગુનેગાર વિરૂદ્ધ કાર્યવાહી થતાં ગુંડાઓમાં ભયનો માહોલ અને જામનગરની પ્રજામાં હર્ષ સાથે સંતોષની લાગણી પ્રસરી ગઇ છે. અને પોલીસ પ્રત્યે ગર્વ સહ વિશ્વાસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

અત્રે એ ઉલ્લેખ છે કે આરોપી રજાક સાયચા સામે તાજેતરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેનો ગુનો દાખલ કરાયો હતો, જે ગુનામાં તેની ધરપકડ કરવા માટે જામનગરની જિલ્લા જેલમાંથી કબજો લેવાયો હતો, અને  તેને ફરીથી જેલ હવાલે કરાયો છે.

એટલું જ માત્ર નહીં તેણે સરકારી જમીનમાં ગેરકાયદે પેશ કદમી કરી હોવાથી સરકારી જમીન ખાલી કરાવવા માટે આજે જામનગરના પોલીસ વિભાગમાં મોટુ ઓપરેશન કહી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સાથે શહેર વિભાગના ડીવાયએસપી જે.વી. ઝાલા, તેમજ એલસીબી એસ.ઓ.જી. અને તેમના સ્ટાફ ઉપરાંત જામનગરના સીટી બી ડિવિઝનના પીઆઈ એચ.પી.ઝાલા અને તેમની સમગ્ર ટીમ, બેડી મરીન પોલીસ સ્ટેશનની ટિમ વગેરે સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં જોડાયો હતો.

સાથો સાથ જામનગરની એસ.ડી.એમ. કચેરીની ટીમ અને શહેર વિભાગના મામલતદારની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ટીમ વગેરે પણ જોડાયા હતા. આ ડિમલેશનની કાર્યવાહીને લઈને સમગ્ર બેડી વિસ્તારમાં સોંપો પડી ગયો છે.