ચાર વર્ષના પ્રેમ સંબંધ પોતાના લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી લેતાં પ્રેમિકાએ ઝેર પીધું: પોલીસે પ્રેમી સામે ગુનો નોંધ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષ ની યુવતીને તેના પ્રેમીએ ચાર વર્ષના પ્રેમ સંબંધ બાદ દગો આપી અન્ય યુવતી સાથે લગ્ન નક્કી કરી લેતાં તેણીને મનમાં લાગ્યું હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જેને દગો દઈ મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પ્રેમી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતી યોગીતાબા અજીતસિંહ રાઠોડ નામની ૨૬ વર્ષની યુવતીએ તાજેતરમાં પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું હતુ. આ બનાવ અંગે મૃતકની માતા કુસુમબા અજીતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન પોલીસે યોગીતાબાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પૂછપરછ દરમિયાન યોગીતાબા ને છેલ્લા ચાર વર્ષથી જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ ચાવડા નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો, જે પ્રેમ સંબંધમાં પ્રેમીઓ દગો કર્યો હતો, અને યોગીતાબા સાથે લગ્ન નહીં કરી, અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી યોગીતાબાને મનમાં લાગી આવતાં પગલું ભરી લીધું હતું. આ બનાવ પછી સિટી એ ડિવિઝન પોલીસે મૃતક યોગીતાબાની માતા કુસુમબાની ફરિયાદના આધારે આરોપી પ્રેમી દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા સામે યોગીતાબાને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગેની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.