શહેરમાંથી એક શખ્સ દારૂની બોટલ સાથે ઝડપાયો: સપ્લાયરની શોધખોળ: ડમડમ હાલતમાં ત્રણ ઝડપાયા   

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગરમાં મોરકંડા રોડ પર રહેતા એક ખેડૂતના મકાનમાંથી ૯૫ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો છે, જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર નું નામ ખુલ્યું છે. જયારે શહેરમાંથી એક શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ બોટલ આપનારની શોધખોળ હાથ ધરી છે, તેમજ ત્રણ શખ્સને ડમડમ હાલતમાં ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતા અને ખેતી કામ કરતા કલ્પેશ અમૃતલાલ પરમાર નામના ખેડૂતના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાંથી ૯૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે, અને આરોપી કલ્પેશની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમ્યાન તેને દારૂનો જથ્થો જામનગરના ઇમરાન શેખ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

ઉપરાંત સાંઢિયા પુલ પાસેથી સીટી સી ડિવિઝન પોલીસે ભાયા વિજયભાઈ સુમત નામના શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ દારૂની બોટલ આપનાર રાજ ધોકીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે. 

તેમજ ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરીમાંથી ભાગયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાયજાદા નામનો શખ્સ જીજે 10 ડીએસ 5494 નંબરની બાઈક લઈને નશાની હાલતમાં નીકળતા પોલીસે તેને ઝડપી લીધો હતો, ત્યારે ભોઈ સમાજની વાડી પાસેથી મહેન્દ્ર વીરજીભાઈ નકુમ અને આશાપુરા મંદિર રોડ પરથી શાંતિ ભાણાભાઈ ગુજરીયા નામના શખ્સોને નશાની હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લીધા હતા.