એસઓજીની ટુકડીએ પાડેલા દરોડામાં પરપ્રાંતિય શખ્સ ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચલાવતા રંગે હાથ પકડાયો: ૧૮ નંગ રાંધણ ગેસ ભરવા માટેના ખાલી અથવા ભરેલા બાટલા: ગેસની નળી-રેગ્યુલેટર-વજન કાંટો સહિતની સામગ્રી કબજે
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર નજીક દરેડ મસીતીયા રોડ પર એક ભાડાની ઓરડીમાં રાંધણ ગેસના બાટલા માંથી ગેસ રીફિલિંગનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું અને લોકોના જન આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાનું એસઓજી શાખાને ધ્યાનમાં આવ્યું હતું. જેથી એસઓજીની ટુકડીએ દરોડો પાડી એક શખ્સને અટકાયતમાં લીધો છે, અને તેની પાસેથી નાના મોટા ૧૮ નંગ રાંધણ ગેસના ખાલી-ભરેલા બાટલા સહિતની સામગ્રી કબજે કરી છે.
આ દરોડાની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશનો વતની પરપ્રાંતિય શખ્સ કે જે દરેડ મસીતિયા રોડ પર એક ઓરડી ભાડે રાખીને તેમાં ગેસ રિફિલિંગનો કારસ્તાન ચલાવી રહ્યો છે, તેવી બાતમી એસઓજી શાખાના ચન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, હર્ષદકુમાર ડોરીયા અને અનિરુધ્ધસિંહ ઝાલાને મળતા પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી. પરમાર અને આર.એચ. બારની સૂચનાથી શુક્રવારે સાંજે એસઓજીની ટુકડીએ ઉપરોક્ત સ્થળે પહોંચી જઇ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમિયાન એક શખ્સ દ્વારા રાંધણ ગેસના બાટલામાં ઇલેક્ટ્રીક મોટર અને પ્લાસ્ટિકની નળી વગેરે જોઈન્ટ કરીને અન્ય નાના બાટલામાં કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું અને લોકોના જીવ જોખમાય તેવુ કારસ્તાન કરવામાં આવી રહયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી એસઓજીની ટુકડીએ ઓરડી ભાડે રાખનાર શખ્સનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નિશાંત ઉર્ફે જશવંત રામનાથ શ્રીવાસ્ત અને મૂળ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના જાગીર ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. જે ગેરકાયદે રીતે રાંધણ ગેસના બાટલા માંથી ગેસ રીફીલિંગ કરી તેનું ખાનગીમાં વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.
એસઓજીની ટુકડીએ બનાવના સ્થળેથી ખાલી અને ભરેલા નાના-મોટા ૧૮ નંગ રાંધણ ગેસના બાટલા, ઉપરાંત ઈલેક્ટ્રીક મોટર, ગેસના બાટલાનું રેગ્યુલેટર ઇલેક્ટ્રીક વજન કાંટો સહિતની સામગ્રી કબ્જે કરી લીધી છે, અને પરપ્રાંતિય શખ્સ નિશાંત શ્રીવાસ્તવની અટકાયત કરી લઈ તેની સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો છે.
0 Comments
Post a Comment