મુદ્દામાલ કબજે : એલસીબી પોલીસની કાર્યવાહી

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

ખંભાળિયામાં આજથી આશરે ચારેક દિવસ પૂર્વે અહીંના ધરમપુર વાડી વિસ્તારમાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, જામનગર જિલ્લામાં રહેતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને દબોચી લઈ, મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા એક આસામી તથા તેમની નજીક રહેતા અન્ય એક વ્યક્તિના ઘરમાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 1.55 લાખના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.એસ. ચૌહાણ તથા આકાશ બારસિયા દ્વારા જુદા જુદા સ્થળોએ સીસીટીવી કેમેરા તથા નેત્રમ પ્રોજેક્ટ ઉપરાંત હ્યુમન સોર્સિસની મદદથી તમામ દિશાઓમાં તપાસ આરંભી હતી. જે હેઠળ કેટલાક શકમંદો સામે પણ તપાસની કાર્યવાહી કરાઈ હતી.

આ પ્રકરણમાં એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક સ્થળેથી હીરો સ્પ્લેન્ડર નંબર જી.જે. 10 ડી.એસ. 3296 માં બેસીને એક સ્ત્રી તેમજ બે પુરુષો અહીંની સોની બજારમાં નીકળ્યા હોવાનું જણાવતા અને તેઓની હિલચાલ શકમંદ હોવાથી પોલીસે ઉપરોક્ત બંને પુરુષ તથા મહિલાને અટકાવી અને અંગઝડતી કરવામાં આવી હતી. જેમાં તેઓ પાસેથી દાગીના સહિતનો કેટલોક મુદ્દામાલ મળી આવ્યો હતો.

જેને એલસીબી પોલીસે સ્થાનિક કચેરી ખાતે આ ત્રણેયને લઈ જઈ અને આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની ગયેલા આરોપીઓએ અહીંના ધરમપુરથી લાલપુર તરફ જવાના રસ્તે ચારેક દિવસ પૂર્વે બે આસામીઓના ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જામનગર દિગ્જામ સર્કલ પાસે રહેતા અને રમકડાં વેચવાનો ધંધો કરતા દેવીપુજક મુકેશ અમુ સાડમીયા (ઉ.વ. 20), ગુલાબનગર વિસ્તારમાં રહેતા પ્રેમજી રાયધન વાઘેલા (ઉ.વ. 25) અને જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે લતીપર રોડ પર રહેતા લખીબેન ઉર્ફે લાખુબેન મુકેશભાઈ જખાનીયા (ઉ.વ. 35) હોવાનું જાહેર થયું છે.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 68,000 રોકડા, સોના ચાંદીના દાગીના તેમજ ચોરી માટે ઉપયોગમાં લીધેલું રૂપિયા 40,000 ની કિંમતનું મોટરસાયકલ અને રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,55,150 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીઓની વધુ તપાસ અર્થે તેઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ, ક્રીપાલસિંહ, અરજણભાઈ, પુરીબેન સરઠીયા, નરસિંહભાઈ, હસમુખભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.