મૃતક સેજલબેન ફાઈલ ફોટો


જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડની શિવકૃપા નામની ખાનગી સ્કુલની હોસ્ટેલમાં રહીને ધો.૯ માં અભ્યાસ કરતી રબારી સમાજની દિકરીએ રહસ્યમય રીતે હોસ્ટેલના રૂમમાં પંખે લટકીને આપઘાત કરી લેતા ભાણવડ પંથકમાં અને રબારી સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આપઘાત પહેલા મૃતકે લખેલી સ્યુ સાઈટ નોટ જે સંચાલકો દ્વારા હાથવગી કરી પાછળથી પોલીસને સુપરત કરેલ છે જે ભારે રહસ્યમય છે ત્યારે વધુ તપાસ ભાણવડ પોલીસ દ્રારા ચલાવવામાં આવી રહી છે.

બનાવની સમગ્ર વિગતવાર ઘટના મુજબ અહીની ખાનગી સ્કુલ શિવકૃપા ગુજરાતી તેમજ ઈંગ્લીશ મિડીયમ સ્કુલની હોસ્ટેલમાં રહીને ધો.૯ માં અભ્યાસ કરતી રબારી સમાજની દિકરી સેજલબેન રૂડાભાઈ કોડીયાતરે આજે વહેલી સવારે હોસ્ટેલના રૂમમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો બનાવની સૌપ્રથમ જાણ હોસ્ટેલના સ્ટાફને થતા તેઓએ સ્કૂલના સંચાલકોને જાણ કરતા સંચાલકો તાબડતોબ હોસ્ટેલ પહોંચી ગયા હતા અને લટકી રહેલ સેજલબેનને ઉતારી તેમના વાલીઓને જાણ કરી સૌ પ્રથમ એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે સેજલબેનનુ મૃત્યુ થયુ હોવાનું જણાવી સરકારી હોસ્પીટલમાં લઈ જવાનુ કહેતા સ્કુલ સ્ટાફ દ્રારા ભાણવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવેલ દરમિયાન બનાવની જાણ ભાણવડ પોલીસને કરવામાં આવતા પીએસઆઈ સવસેતા અને સ્ટાફ પહેલા ઘટના સ્થળે અને બાદમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા અને પંચનામાં તથા નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેજલબેનના સગાવહાલાઓ તેમજ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો એકઠા થઈ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

સેજલબેનના વાલીઓના જણાવ્યા મુજબ દીકરીને આવું પગલું કેમ્ ભરવું પડયું એ જ સમજાતું નથી ! ઘર પરિવારમાં પણ બધું વ્યવસ્થિત હતું.

ત્યારે દીકરીએ જે સ્યુસાઈટ નોટ લખી છે તેમાં એક એમની નોટબુકમાં છે અને બીજી એમના કપડાના ખિસ્સામાં હતી જેમાં પણ આપઘાતનું કોઈ જ ચોક્કસ કારણ દેખાતું ન હતું ત્યારે વાલીઓને સેજલબેનના ખિસ્સામાં રહેલી સ્યુસાઈટ નોટ રહસ્યમય લાગી હતી તેમના જણાવ્યા મુજબ એ સ્યુસાઈટ નોટ સેજલબેનના લટકતા દેહને નીચે ઉતારતી વખતે સ્કુલ સંચાલકે કાઢી પોતાની પાસે રાખી લીધેલ અને કેટલાક સમય પછી પોલીસને સોંપેલ જેમાં માત્ર તેમના મૃત્યુ પછી કેટલીક વિધિઓ કરવા સિવાય બીજી કોઈ વિગત ન હતી.જો કે આ સ્યુસાઈટ નોટનું પેજ ફાટેલું હોઈ વાલીઓ અને ઉપસ્થિત રબારી સમાજના લોકોએ શંકા વ્યક્ત કરી હતી.

ત્યારે સેજલબેને કરેલા આપઘાતે ભારે ચકચાર જગાવેલ છે અને મૃતકના સ્વજનોએ ભારે હૃદયે આ રહસ્યમય આપઘાત પ્રકરણમાં તટસ્થ તપાસ થાય એવી માંગ કરેલ છે ત્યારે પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરતા પોસ્ટ મોર્ટમ તેમજ સાચું કારણ શોધવા કવાયત આદરી છે.