જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લાના કાલાવડમાં મોટી દુર્ઘટના બની છે. જ્યાં સોમવારે (27 ઓક્ટોબર) કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક દંપતી અને શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતિ અને એક શ્રમિક યુવાન ને વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે અરેરાટી પ્રસરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી દોડતી થઈ છે. ઘટના બાદ ત્રણેય મૃતકોને પીએમ અર્થે કાલાવડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આ કરૂણ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં રહેતા રવજીભાઈ જેશાભાઈ રોલા નામના 65 વર્ષના ખેડૂત બુઝુર્ગ અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલ (ઉ.વ. 60) કે જેઓ પોતાની વાડીના તબેલામાં કામ કરી રહ્યા હતા. તેઓની સાથે વાડીમાં જ કામ કરતો બુધાભાઈ ધીરુભાઈ વાજેલીયા નામનો 22 વર્ષનો શ્રમિક પણ તબેલામાં કામમાં સાથે જોડાયો હતો.
જે દરમિયાન ઈલેક્ટ્રીક વાયરમાંથી ત્રણેયને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના બનાવના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા. આ ગોઝારા બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પીઆઇ આર.બી. ઠાકોર પોલીસ ટુકડી સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ત્રણેયના મૃતદેહોનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને ડુંગરાડળી દેવળીયા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.


0 Comments
Post a Comment