માતા-પિતા બહાર ગામ ગયા હોય પાછળથી પગલું ભરી લીધું : પરિવાર ઉપર વજ્ર્ઘાત  : કારણ જાણવા સહિતની પોલીસ દ્વારા તપાસ 

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ રોડ પાસે રહેતા અને અભ્યાસ કરતા ગરાસિયા યુવકે આજે  સાંજના કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે એકલો હોય તે દરમ્યાન ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી તરફ આ બનાવ અંગે જાણ થતા સીટી બી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કારણ જાણવા સહિતની તપાસ આરંભી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં સત્યસાંઈ સ્કૂલ પાસે રહેતા મયુરરાજસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.17) નામના યુવકે આજે  સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બનાવની જાણ થતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવકનો કબ્જો સંભાળી લાશને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી. મૃતક યુવક ધોરણ 11માં પ્રાઈમ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય દરમ્યાન આ યુવકના માતા-પિતા ખંભાળીયા ખાતે સગા-સંબંધીને ત્યાં ગયેલ હોય પોતે ઘરે એકલો હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અને યુવકના માતાપિતા પરત ફરતા તેઓને જાણ થતા પરિવારમાં હૈયાફાટ રૂદન છવાઈ ગયું છે. જો કે, આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું ન હોય પોલીસે આ બનાવ અંગે તપાસ આરંભી છે.