બેંકમાં બોગસ ખાતું ખોલી આચર્યું કૌભાંડ 
જામનગર મોર્નિંગ - જામનગર. કાલાવડના વતની અને હાલ રાજકોટમાં પંદર હજાર રૂપિયામાં ખાનગી પેઢીમાં નોકરી કરતા એક યુવાનને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા 3.22 કરોડ રૂપિયા ભરી જવાની નોટીશ આપતા યુવાન દ્વારા દોડધામ શરૂ કરાઈ હતી જેમાં તેના નામે જામનગરના બે ચાર્ટડ એકાઉટન્ટ તેમજ કાલાવડના એક કારકુન વગેરેએ મળી વર્ધમાન બેંકમાં બોગસ ખાતું ખોલાવી લીધું હતું અને બ્લેક મનીને વાઈટ કરવા માટે બેંક ખાતામાં સાડા નવ કરોડનું ટ્રાન્જેક્શન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાનું જાહેર થતા ત્રણેય આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે જેને પોલીસ શોધી રહી છે. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડના વતની અને હાલ રાજકોટમાં યુનુવર્સીટી રોડ પર રહેતા અને ખાનગી પેઢીમાં રૂ. પંદર હજારના પગારથી નોકરી કરતા જીજ્ઞેશ ભુપતભાઇ નારોલા નામના પટેલ યુવાને 2011ની સાલમાં પોતે જયારે કાલાવડ હતો ત્યારે તેણે પોતાનું પાનકાર્ડ કઢાવ્યું હતું પરંતુ બે-બે પાનકાર્ડ આવતા કાલાવાડમાં જ રહેતા અને કારકુન તરીકે કામ કરતા વિમલ ભટ્ટ નામના શખ્સને પોતાનું બીજું પાનકાર્ડ જમા કરાવી દેવા માટે આપ્યું હતું.
જે પાનકાર્ડને આઇટી વિભાગમાં પરત જમા કરાવવાના બદલે વિમલ ભટ્ટે જામનગરમાં પીએન માર્ગ ઉપર ચાર્ટડ એકાઉટન્ટની ઓફિસ ધરાવતા ચાર્ટડ એકાઉટન્ટ શશાંક જૈન તેમજ વિજય ગલૈયાને આપ્યું હતું અને ત્યાર પછી તે પાનકાર્ડના આધારે છેતરપીંડીનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણેય શખ્સોએ કાલાવડના જીજ્ઞેશ નારોલાના નામનું 15-1-2011ની સાલમાં ચાંદી બજાર વિસ્તારમાં આવેલી વર્ધમાન બેંકમાં ખાતું ખોલાવ્યું હતું જે ખાતામાં 2015 સુધીના સમયગાળામાં બ્લેક મનીને વ્હાઇટ કરવા માટેનું કારસ્તાન રચ્યું હતું અને કુલ સાડા નવ કરોડ રૂપિયા જેટલું ટ્રાન્જેક્શન કર્યું હતું.
જામનગરના ઇન્કમટેક્ષ વિભાગને આ બેંક વ્યવહારની જાણ થવાથી તે આઇટી વિભાગે જીજ્ઞેશ નારોલાને શોધીને 3,22,84,033ની મસમોટી રકમ ભરી જવા માટે નોટીશ પાઠવી હતી જેથી પોતે અચંબીત બની ગયો હતો. માત્ર પંદર હજારના પગારથી પોતે નોકરી કરે છે અને આટલી મોટી રકમનો ટેક્ષ ક્યાંથી ચૂકવવાનો આવ્યો તે જાણવા માટે તેણે છેલ્લા એકાદ વર્ષથી જામનગરના આઇટી વિભાગ તેમજ પોલીસ વિભાગના ચક્કર ચાલુ કરી દીધા હતા અને ફરિયાદ અરજીઓ કરી હતી જે અરજીની તપાસ જામનગરની દરબારગઢ પોલીસ ચોંકીને સોંપવામાં આવી હતી. જેની ઉંડાણપૂર્વકની તપાસના અંતે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કાલાવાડના વિમલ ભટ્ટ દ્વારા પાનકાર્ડનો દુરૂપયોગ કરવા માટે ચાર્ટડ એકાઉટન્ટ શશાંક જૈનને આપ્યું હતું જે પાનકાર્ડના આધારે તેણે વર્ધમાન બેંકમાં બોગસ ખાતું ખોલાવી લીધું હતું. જેમાં વિજય ગલૈયાએ જામીન પડી બનાવટી સહી અને સર્ટિફિકેટ રજૂ કરેલા હતા અને ત્યાર પછી ચાર વર્ષોના સમયગાળા દરમ્યાન જુદા-જુદા સમયે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું હતું. સમગ્ર મામલો સામે આવ્યા પછી આખરે પોલીસે જીજ્ઞેશ નારોલાની ફરિયાદના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ અને અન્ય કોઈ તેના સાગરીતો હોય તો તમામ સામે આઇપીસી કલમ 465, 467, 468, 471, 114 સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી કૌભાંડને લગતું સાહિત્ય કબ્જે કર્યું છે જયારે ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તમામની શોધખોળ ચાલવાઈ રહી છે.