પોલીસના સ્વાંગમાં જામનગરમાંથી અંગ્રેજી દારૂની 14112 બોટલ ઝડપી પાડતી આર.આર.સેલ. 
એક ટ્રક, બે કાર, બે બાઈક, એક પીકઅપ વાન સહિત 75.12 લાખનો મુદામાલ કબ્જે : આઠ શખ્સની ધરપકડ 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં આર.આર.સેલ.એ હાપા વિસ્તારમાં આવેલા એક ખોળ કપાસીયાના કારખાનામાં દરોડો પાડી સેન્ટ્રલ પોલીસના સ્વાંગમાં ઘુસાડવામાં આવેલો 14112 નંગ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પડ્યો છે. આઈ.ટી.બી.પી. પોલીસનો સ્વાંગ ધારણ કરી બે નકલી વરદીધારી પોલીસ જવાનો સહિત આઠ શખ્સોની ધરપકડ કરી પંચ એ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં ધુંવાવ નજીક આવેલ હાપા વિસ્તારમાં પરિશ્રમ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામના ખોળ કપાસિયાના કારખાનામાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઠાલવવામાં આવી રહ્યો હતો તેવી ચોક્કસ બાતમીના આધારે આર.આર.સેલ.એ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને બે નાના ટ્રકમાંથી ગાડાઉનમાં વ્યવસ્થિત રીતે કંટીગ કરવામાં આવતા રૂ. 49,39,200ની કિંમતનો 14112 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન આઈ.ટી.બી.પી.નો ડ્રેસ પહેરી નકલી પોલીસ બનેલા હરિયાણાના અંબાલા જિલ્લાના અમરીતસિંઘ લબાના અને ગુરપ્રીતસિંઘ સુખવંતસિંઘ લબાના નામના ક્લીનર ઉપરાંત દિલ્હીના રાજેશ કશ્મીરલાલ ગિલહોત્રા, દિલ્હીના પ્રવીણ તિલકકુમાર રાજદાતા, ઉત્તરપ્રદેશ ગુડેલના સુભાષ રામસિંગ સુનેરિયા, આંધ્રપ્રદેશના રામનજી નાગરાજુ વાલ્મિકી, સુરેશ નાગનના પુલન નામના સાત ઉપરાંત હાપા ખાતે રહેતો વિપુલ કેશુભાઈ શિયાર નામના શખ્સ આ દારૂનું કટીંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આઠેય શખ્સની દારૂ ઉપરાંત એક આઇસર, એક મહિન્દ્રા પીકઅપ વાન,  બે કાર, બે મોટરસાઇકલ સહિત રૂ. 75,12,700ની મતા સાથે પકડી પાડ્યા હતા. વિદેશી દારૂ પ્રકરણમાં વધુ એક વખત અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. દિલ્હી-હરિયાણાથી એક ટ્રકને આર્મી જેવો કલર કરી ઉપર આર્મીના વાહનમાં જે કવરનું કપડું હોય છે તેવું જ કપડું લગાવી અંદર દારૂ ભરવામાં આવ્યો છે. 
જો કે આર.આર.સેલ પોલીસને ચોક્કસ બાતમી મળતા સ્થાનિક અને પરપ્રાંતીય શખ્સોનું દારૂ ઘુસાડવાનું સપનું સાકાર થયું ન હતું.
આર.આર.સેલ. પોલીસએ આઠેય શખ્સોની દારૂ સાથે અટકાયત કરી પંચ એ પોલીસ સ્ટેશને સોંપી દઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.