જામનગરના બે શખ્સોએ મિત્ર પાસેથી અજમેર દર્શન કરવા જવાનું કહી કાર મેળવી વાપીથી કરોડથી વધુ કિમંતનું ડ્રગ્સ આયાત કર્યું
અન્ય એક શખ્સને દર્શન કરવાનું કહી સાથે લઈ ગયેલ અને લાલચમાં આવી તે પણ બંને શખ્સ સાથે ઝડપાયો: બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી રૂ.૧ કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણેય ઝડપાઈ ગયા
જામનગર મોર્નિંગ - જામનગર
મળતી વિગત મુજબ લોકસભા ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય રાજ્યને જોડતી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બે કાયમી ચેકપોસ્ટ ઉપરાંત ચાર હંગામી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની જીજે ૧૦ ડીજે ૩૪૪૮ નંબરની ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી ૧૦૭૨ ગ્રામ મેથાએમ્ફેટામાઇન (એમ.ડી) નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જે ડ્રગ્સની કિંમત રૂ. 1,07,20,000 થાય છે, પોલીસે કારમાં સવાર ઈસાક આરિફભાઇ બ્લોચ (રહે.શેરી નં.૦૨, અમન સોસાયટી, શાહ પંપ ની સામે, જામનગર), સોહેલ ઓસમાણભાઇ સંધી (રહે. નદીપા વિસ્તાર, ત્રણ દરવાજા નજીક, જામનગર) અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા (રહે.ટીટોડી વાડી, ખોજા ગેટ નાકા પાસે, જામનગર) નામના ત્રણ શખ્સને અમીરગઢ પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી કાર કિંમત રૂ. 8,00,000 તથા રોકડ રૂ. 19,400 તથા ત્રણ નંગ મોબાઈલ કિમંત રૂ. 1,10,000 કુલ મળી રૂ. 1,16,49,400નો મુદામાલ કબ્જે કરી એન.ડી.પી.એસ એક્ટની કલમ ૮ (સી), ૨૧ (સી) અને ૨૯ મુજબ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુંબઇનો અમન નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળે કે ત્રણેય શખ્સ ક્રેટા કાર જામનગરના રહેવાસી સરફરાઝ ઉસ્માનભાઈ રાઉમા પાસેથી અજમેર દર્શન કરવા જવાનું કહીને લઈ ગયેલ હતા અને ઇસરાક તેમજ સોહીલ બંને જણા વાપી જઈ આ કારમાં અમન પાસેથી ડ્રગ્સનો જથ્થો લીધો હતો બાદમાં બંને જણા અજમેર દર્શન કરવા જતા હતા ત્યારે મિત્ર અસલમ પણ સાથે દર્શન કરવા લઈ ગયેલ હતા. અસલમ પાસેથી દર્શન કરવા જવાનું કહી જામનગરથી ઇસરાકે પોતાના કપડાં મંગાવી અમદાવાદ બોલાવેલ હતો અને ઈસરાક અને સોહીલે રૂપિયાની લાલચ આપી આ ડ્રગ્સનું વેંચાણ કરવાનું કહેતા પૈસાની લાલચમાં અસલમ પણ સાથે જોડાઈ ગયો હતો. અને અમીરગઢ ચેક પોસ્ટ પાસે અજમેરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ત્રણેય શખ્સ ઝડપાઇ ગયા.
0 Comments
Post a Comment