જામનગરમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા લૂંટ ચલાવતી ગેંગ ના છ સભ્યોની ટોળકીને સીટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધા
તાજેતરમાં એક રેકડી ચાલક યુવાનને લૂંટી લેવાયો હતો, જે ગુનામાં ૬ શખ્સોની અટકાયત: જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લૂંટફાટ મારા મારી સહિતના ૧૦ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં તાજેતરમાં મોબાઈલ ફોનની એપ્લિકેશન મારફતે એક રેંકડી ચાલક યુવાનને યુવતી ની મુલાકાત ના બહાને માયાજાળમાં ફસાવી લઈ તેને લૂંટી લેવા અંગેનો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે પ્રકરણમાં સીટી એ. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના આધારે કુખ્યાત દિવલા ડોન સહિતના ૬ સભ્યોની ટોળકીને ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તથા બે વાહનો સહિતની સામગ્રી કબજે કરી છે, અને હત્યા અને હત્યા પ્રયાસ સહિતના જુદા જુદા ૧૦ ગુનાઓને અંજામ આપવાનું પણ સામે આવ્યું છે. જે તમામ છ શખ્સ ની ઊંડાણપૂર્વકની પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં એસટી ડેપો રોડ પર રેકડી ચલાવતા એક યુવાનને બ્લ્યુડ લાઈવ એન્ડ મેઇલ ડેટિંગ નામની એપ્લિકેશન મારફતે યુવતી ની મુલાકાત કરાવવાના બહાને યુવતીની માયાજાળમાં ફસાવી લઈ તેને લૂંટી લેવાયો હતો, અને ૪૦,૫૦૦ની લૂંટ ચલાવાઇ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે ગુનાની તપાસના અંતે સિટી એ.ડિવિઝન પોલીસે રિક્ષા અને એક બાઈકના નંબરો મેળવી લીધા હતા, અને તેના આધારે તપાસના ચક્રો ગતિમાન કરી લઈ ઉપરોક્ત ગેંગને પકડી લેવામાં સફળતા હંસલ કરી છે.
સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સ્ટાફે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા શક્તિસિંહ લાલુભા જાડેજા, ઉપરાંત શાહનવાઝ ઉર્ફે નવાબ જાવીદભાઈ કોલીયા નામના રિક્ષા ચાલક, જામનગરના પ્રખ્યાત દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન રંજ્જતસિંહ જાડેજા, તેમજ પિયુષ ઉર્ફે કાલી પ્રફુલભાઈ પરમાર, અર્જુન ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ, અને પ્રવીણ ઉર્ફે લાલુ મુકેશભાઈ વાઘેલા વગેરે ૬ શખ્સો ની અટકાયત કરી લીધી છે. જેઓ પાસેથી એક ઓટો રીક્ષા, એક મોટરસાયકલ, સાત મોબાઈલ ફોન સહિત કુલ ૧,૬૭,૮૦૦ની માલમત્તા કબજે કરી લીધી છે. ઉપરોક્ત આરોપીઓ પૈકી દિવ્યરાજસિંહ સામે જામનગરના સીટી બી. ડિવિઝન તેમજ સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં લૂંટ- મારામારી- સહિતના આઠ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત આરોપી પિયુશ ઉર્ફે કાલી પ્રફુલભાઈ પરમાર સામે હત્યા પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો છે. જયારે આરોપી અર્જુન ઉર્ફે લાલો રમેશભાઈ રાઠોડ સામે હત્યા નો ગુનો નોંધાયો છે. જયારે આરોપી શક્તિસિંહ જાડેજા સામે મારામારીના બે ગુના, અને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ એક ગુન્હો નોંધાયો હોવાનું અને સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
ઉપરોક્ત તમામ આરોપીઓ એ બ્લુડ લાઈવ એન્ડ મેઈલ ડેટિંગ એપ્લિકેશન દ્વારા અજાણ્યા વ્યક્તિઓને મેસેજ કરીને તેઓના મેસેજમાં વાતો કરી મળવા માટે બોલાવતા હતા, અને ત્યાર પછી ધમકાવી, માર મારી તેઓ પાસેથી રૂપિયા ની લુંટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ઉપરોક્ત ટોળકીનો અન્ય કોઈ પણ વ્યક્તિ શિકાર બન્યા હોય તો તેઓએ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
0 Comments
Post a Comment