જામનગર મોર્નિંગ – જામનગર તા.૧૫ : આયુષ્માન ભારત યોજના મધ્યમ અને ગરીબ પરિવારો માટે ખુબ જ અસરકારક અને જરૂરી છે આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને નિયત થયેલ રોગની સારવાર માટે ૧૦ લાખ સુધીની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે.
આયુષમાન ભારત યોજનાની પ્રાપ્ત માહિતી મુજબ જે લોકો રેશનકાર્ડની એન.એફ.એસ.એ. યાદીમાં નામ ધરાવે છે તે યાદીના આધારે આયુષમાન યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવે છે. પણ તાજેતરમાં એવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવ્યા કે જે લોકો રેશનકાર્ડની એન.એફ.એસ.એ. યાદીમાં ઓનલાઇન નામ ધરાવે છે છતાં આયુષમાન ભારતના પોર્ટલ પર તે નામ નથી. આ ટેકનીકલ ખામી હોય શકે પણ આ ખામી લાંબા સમય થી છે સરકારના સુત્રો કહે છે કે જે લોકોને રેશનકાર્ડમાં સસ્તા અનાજનો માલ મળે છે તે એસ.એફ.એસ.એ.ની યાદીમાં નામ ધરાવતા પરિવાર આયુષમાન ભારતનું કાર્ડ મેળવવા માટેની પાત્રતા ધરાવે છે તેના આધારે તેમને આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અનેક પરિવારો એવા છે જેમના રેશનકાર્ડની એન.એફ.એસ.એ. યાદીમાં ઓનલાઈન નામ છે પરંતુ આયુષમાન કાર્ડ માટેના પોર્ટલમાં એ નામ બતાવતા નથી.
આ અંગે અમે જયારે આયુષમાન યોજના જીલ્લા કક્ષાના કોર્ડિનેટરનો સંપર્ક સાધ્યો ત્યારે તેઓએ જણાવ્યું એ ટેકનીકલ ખામી છે રાજ્ય કક્ષાએથી પોર્ટલ અપડેટ થાય ત્યારે સમાધાન થાય તેમ છે. આ ખામી પણ લાંબા સમય થી છે છતાં અપડેટ થતું નથી અહી સવાલ એ છે કે સરકાર યોજના માટે પુરતું ફંડ ફાળવે છે ત્યારે ટેકનીકલ ખામીના હિસાબે જરૂરિયાત મંદ પરિવારોને કાર્ડ મળતા નથી અને તેઓને લાખો રૂપિયાના ખર્ચે ના છૂટકે સારવાર કરાવવાની ફરજ પડે છે ત્યારે આ અંગે જીલ્લા કક્ષાએ જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી અથવા તો જીલ્લા કલેકટર નોંધ લઈને આ ખામી તાકીદે દુર કરાવવી જોઈએ જેથી અનેક જરૂરિયાત મંદ પરિવાર સરકારની આ યોજનાનો લાભ મેળવીને ગંભીર રોગમાં વિના મુલ્યે સારવાર મેળવી શકે.
0 Comments
Post a Comment