જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પરથી માછીમારો માછીમારી કરવા દરીયા અંદર જતા હોય છે. દરીયા અંદર સાતથી બાર દિવસ સુધી રહેતા હોય છે. આ જ રીતે હિમાલય નામની એક માછીમાર બોટ દરીયાની અંદર આશરે 80 કિલોમીટર દુર માછીમારી કરી રહી હતી, ત્યારે યાંત્રિક ખામી સર્જાતા બોટની અંદર પાણી ભરાવા લાગ્યું હતું. જેના કારણે બોટમાં સવાર છ માછીમારોના જીવનું જોખમ ઉભું થયું હતું.

આથી તેઓએ ઓખા કોસ્ટગાર્ડનો સંપર્ક કરી, પોતાનું લોકેશન આપ્યું હતું. જેથી ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ આરૂષ તથા ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે તાકીદે આ લોકેશનની જગ્યાએ પહોંચી જઈને ડુબી રહેલી માછીમારી બોટની અંદર રહેલા છ ખલાસીઓને બચાવી લીધા હતા.

આ માછીમારોના જીવ બચી જતા તેઓ તથા તેમના પરિવારજનોએ આનંદ સાથે કોસ્ટ ગાર્ડના જવાનોની આભારની લાગણી વ્યક્ત કરી હતી.