અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા ભરેલું અંતિમ પગલું 
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં ખોજાનાકા બહાર કનખરા સમાજની વાડી પાસે રહેતી 16 વર્ષની એક વિધાર્થિનીએ પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે પિતાનો ઠપકો સહન નહીં થતા આત્મહત્યાનો રાહ અપનાવી લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આ બનાવથી પરિવારમાં સોપો પડી ગયો છે. 
જામનગરના ખોજાનાકા બહાર કનખરા સમાજની વાડી સુરજબાગ વિસ્તારમાં રહેતી રૂચીબેન જયભાઈ વસા નામની 16 વર્ષની વિધાર્થીનીએ બપોરે સાડાત્રણેક વાગ્યે પોતાના ઘેર આવેશમાં આવી જઈ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો આથી તેણીને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા ધનવંતરાય વસાએ પોલીસને જાણ કરતા સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકને તેણીના પિતાએ અભ્યાસ બાબત ઠપકો આપતા માઠું લાગી આવતા પગલું ભરી લીધું હતું.