જામનગર મોર્નિંગ - રાજસ્થાન
રાજસ્થાનની અલવર જિલ્લાની રામગઢ વિધાનસભાની બેઠક પર મતની ગણતરી સમાપ્ત થઇ ચૂકી છે. કુલ 20 રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસના ઉમેદવાર સાફિયા જુબૈરની જીત થઇ છે. તો આ સાથે ભાજપના ઉમેદવાર સુખવંત સિંહ બીજા અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જગત સિંહ ત્રીજા સ્થાન પર છે.
ચૂંટણી પંચ અનુસાર 20 રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસના ઉમેદવાર સાફિયા જુબૈરને કુલ 83311 મત મળ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુખવંત સિંહને 71083 મત મળ્યા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર જગત સિંહ પણ 24856 મત મેળવવામાં સફળ રહ્યા છે. હાલની રાજસ્થાન વિધાનસભાની વાત કરીએ તો ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને 99 બેઠકો પર જીત મળી હતી, પરંતુ હવે વધુ એક બેઠક પર જીત મેળવ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 100 થઇ છે. ટકાવારી અનુસાર જોઇએ તો કોંગ્રેસને 44.77 ટકા, ભાજપને 38.20 ટકા અને બસપાને 13.36 ટકા મત મળ્યા છે.
નોંધનીય છે કે રાજ્યની કુલ 200માંથી 199 બેઠકો પર મતદાન સાત ડિસેમ્બરે થયું હતું. બસપા ઉમેદવારના નિધનના કારણે રામગઢ સીટ પર ચૂંટણી સ્થગિત કરાઇ હતી. ત્યારબાદ આ સોમવારે અહીં મતદાન કરાયું હતું, જેમાં 2.35 લાખ મતદારોમાંથી 79.04 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક પર બે મહિલાઓ સહિત 20 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા..
રામગઢની જીત કોંગ્રેસ માટે મોટું સ્થાન ધરાવે છે કારણ કે 200 બેઠકો ધરાવતી રાજસ્થાન વિધાનસભામાં હવે તેના ધારાસભ્યોની સંખ્યા અડધી થઈ ગઈ છે. તો બીજી તરફ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 73 છે.