જામનગર મોર્નિંગ- નવી દિલ્હી
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આઈઆરસીટીસી ટેન્ડર કૌભાંડ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને દીકરા તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવની વિરુદ્ધમાં સીબીઆઈ અને ઈડીએ આઈઆરસીટીસી સંબંધિત મામલાઓમાં ફરિયાદો નોંધાવી હતી, જેમાં તેમના પર મની લોન્ડ્રિંગનો આરોપ મુકવામાં આવ્યો હતો. 
આરજેડી પ્રમુખ અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રેમચંદ્ર ગુપ્તા અને તેમની પત્ની સરલા ગુપ્તા, આઈઆરસીટીસીના તત્કાલીન મેનેજીંગ ડાયરેક્ટર બી કે અગ્રવાલ અને તત્કાલીન ડાયરેક્ટર રાકેશ સક્સેના પણ આ મામલામાં આરોપીઓ છે. આ કેસમાં તેમને પણ નિયમિત રીતે જામીન મળતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવ પર આરોપ હતો કે તેઓ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે આઈઆરસીટીસીની બે હોટલોને તેમણે કથિત રીતે એક પ્રાઈવેટ ફર્મને આપી દીધી હતી. 
લાલુ પ્રસાદ યાદવ પર રેલવે બજેટમાં ગોટાળો કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈડીએ આ મામલામાં અત્યાર સુધીમાં ૪૪ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ સીલ કરી છે. સીબીઆઈએ પણ થોડા સમય પહેલા આ મામલામાં એક ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે લાલુ પ્રસાદ યાદવ સહિત આઈઆરસીટીસીના અધિકારીઓએ પણ પોતાના પદનો ખોટો ઉપયોગ કર્યો હતો.